સરકાર અને યુનિયનો વચ્ચેની મંત્રણાઓ નિષ્ફળ, હડતાળો જારી રહેશે

સરકારના વલણની યુનિયનો દ્વારા આકરી ટીકા, ચોક્કસ ઓફર આપવા માગ

Wednesday 11th January 2023 05:58 EST
 
 

લંડન

સરકારના મંત્રીઓ અને ટ્રેડ યુનિયનો વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં આગામી દિવસોમાં બ્રિટને કામદારોની વધુ હડતાળોનો સામનો કરવો પડશે. હાલ બ્રિટનમાં હેલ્થકેરથી માંડીને ટ્રાન્સપોર્ટ સુધીના તમામ સેક્ટરના કર્મચારીઓ પગાર વધારાની માગ સાથે હડતાળો કરી રહ્યાં છે. મંત્રણા નિષ્ફળ જતાં 10,000 કરતાં વધુ એમ્બ્યુલન્સ કર્મચારીઓ બુધવારે હડતાળ પાડી હતી. જીએમબી યુનિયને જણાવ્યું હતું કે, હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે સાથેની મંત્રણાઓમાં નિષ્ફળતા મળી હતી. જીએમબીના નેશનલ સેક્રેટરી રાચેલ હેરિસને જણાવ્યું હતું કે, પગાર વધારા મુદ્દે કેટલીક વાતચીત થઇ હતી પરંતુ સરકાર તરફથી કોઇ નક્કર ઓફર અપાઇ નથી.

ફુગાવાનો દર બે આંકડામાં પહોંચી જતાં પગાર વધારાના મુદ્દે એમ્બ્યુલન્સ સ્ટાફ, નર્સો, રેલવે અને અન્ય ટ્રાન્સપોર્ટ કર્મચારીઓ ડિસેમ્બર મહિનાથી અવાર નવારહડતાળનું આયોજન કરી રહ્યાં છે. શિક્ષકો પણ હડતાળ પર જવાની તૈયારીમાં છે. શિક્ષકોના યુનિયનો હડતાળ પર જવા અંગેના નિર્ણયની આ સપ્તાહમાં જ જાહેરાત કરવાના છે. હેલ્થ સેક્રેટરી નર્સોના યુનિયનો સાથે અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રેલવેના યુનિયનો સાથે મંત્રણા કરી રહ્યાં છે.

નર્સોના યુનિયન આરસીએને બાર્કલે સાથેની મંત્રણાને હતાશાજનક ગણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, જો સરકાર નર્સોની 18 અને 19 જાન્યુઆરીની હડતાળો રોકવા માગે છે તો તેમણે ઘણી લાંબી મંત્રણાઓ કરવી પડશે. આરોગ્ય કર્મચારીઓનું નેતૃત્વ કરતા યુનિયનોએ પણ સરકારના વલણની આકરી ટીકા કરી છે. યુનાઇટના ઓને કસાબે જણાવ્યું હતું કે, સરકાર પગાર વધારાની સામે પ્રોડક્ટિવિટીની ચર્ચા કરવા માગે છે. પરંતુ કર્મચારીઓ તેમના સમય કરતાં પણ વધુ કામ કરી રહ્યાં છે. આજની મંત્રણાઓ કર્મચારીઓનું અપમાન છે.

યુનિયનોએ જણાવ્યું છે કે આ વર્ષના પગારવધારા માટે સરકાર દ્વારા ચોક્કસ ઓફરો આપવામાં આવશે તો જ અમે આગામી સપ્તાહોની હડતાળો મોકૂફ રાખીશું. સરકાર આગામી નાણાકીય વર્ષ માટેના પગાર વધારા પર ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છે છે.

ફુગાવા આધારિત પગારવધારો મોંઘવારી વકરાવશે – સરકાર

સરકારે જણાવ્યું છે કે ફુગાવા આધારિત પગારવધારો મોંઘવારીમાં વધારો કરશે અને તેના કારણે વ્યાજદરો અને મોર્ગેજ બિલ ઊંચા જશે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, સરકાર વ્યાજબી, જવાબદાર અને દેશને પરવડે તેવા પગાર વધારા માટે ચર્ચા કરવા તૈયાર છે.

સુનાકે યુનિયનો પર પ્રતિબંધ લાદવાની વિચારણા કરી હતી

કામદારોની સ્વતંત્રતા અને અધિકારો પર તરાપ મારતા પ્રસ્તાવોની માહિતી આપતા સરકારી ઇમેલ લીક થયાં છે. તેના અનુસાર વડાપ્રધાન રિશી સુનાક હજારો કામદારોના યુનિયનોમાં જોડાવા પર પ્રતિબંધ લાદવા વિચારણા કરી રહ્યા હતા. પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસિઝ યુનિયનના જનરલ સેક્રેટરી માર્ક સર્વોત્કાએ જણાવ્યું હતું કે, આ ઇમેલ દર્શાવે છે કે એકતરફ સરકાર હડતાળોનો ઉકેલ લાવવાની વાતો કરી રહી છે તો બીજીતરફ મૂળભૂત અધિકારો પર તરાપ મારવાની તૈયારી કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter