લંડન
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે સરકાર દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે નહીં. લિઝ ટ્રસના મિની બજેટના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી પરના મતદારોના વિશ્વાસને મોટું નુકસાન થયું છે. મારી જવાબદારી મતદારોનો વિશ્વાસ જીતવાની અને આર્થિક વિશ્વસનિયતા પુનઃસ્થાપિત કરવાની છે. નવેમ્બર 17ના રોજ રજૂ થનારા બજેટને જનતા ન્યાયી રીતે મૂલવશે તેવો મને વિશ્વાસ છે.
સુનાકે જણાવ્યું હતું કે, વધી રહેલા મોર્ગેજ બિલના કારણે લાખો લોકો મુશ્કેલીમાં છે અને હું આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ. જોકે આ મામલામાં હસ્તક્ષેપ કરવાની સરકારની પણ એક મર્યાદા છે. અમે અમારી સામે રહેલા પડકારોના મામલે ઘણા પ્રામાણિક છીએ. અત્યારે દરેક જણ દેવા અંગેની વાત કરી રહ્યો છે અને દરેક જણ સ્વીકારે છે કે સરકાર દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે નહીં. સરકાર કેવી રીતે દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે. દરેક સમસ્યાના ઉકેલ માટે દેવુ કરવું જરૂરી બની જાય છે અને તે મોંઘવારીમાં વધારો કરે છે તે આપણે જોઇ ચૂક્યાં છીએ. તેથી મારું માનવું છે કે સરકારે દરેક મામલામાં પ્રામાણિકતા સાથે કામ કરવું જોઇએ અને સમસ્યાઓને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવી જોઇએ. જીવન સરળ નથી. સરકાર દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે નહીં.
સુનાકે જણાવ્યું હતું કે, લિઝ ટ્રસના બજેટે જનતાના કન્ઝર્વેટિવ પાર્ટી પરના વિશ્વાસને નુકસાન પહોંચાડ્યું છે પરંતુ જનતા મારી કામગીરીના આધારે મારું મૂલ્યાંકન કરે. મેં કરવેરામાં કાપ મૂકવા સામે ગંભીર ચેતવણીઓ આપી હતી.


