સરકાર દેવાનો બોજ ભાવિ પેઢી પર નાખવા માગતી નથીઃ સુનાક

સુનાકના પાંચ લાંબાગાળાના નિર્ણયઃ દેવામાં ઘટાડો, કરવેરામાં કાપ, આકરા પરિશ્રમને યોગ્ય વળતર, ઘરેલુ ઉર્જા સ્ત્રોતોનું નિર્માણ, બ્રિટિશ બિઝનેસને સહાય અને વિશ્વ કક્ષાનું શિક્ષણ

Tuesday 21st November 2023 12:08 EST
 
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા ઓટમ સ્ટેટમેન્ટ રજૂ થાય તેના બે દિવસ પહેલાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મેં ફુગાવાને અડધો કરવાના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો છે તેથી હવે સરકાર કરવેરામાં કાપ મૂકવાની સ્થિતિમાં આવી ગઇ છે. સોમવારે સવારે ઉત્તર લંડનમાં અર્થતંત્ર પરના પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગયા સપ્તાહમાં અમે ફુગાવાના દરને અડધો કરવાના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો છે તેનો અર્થ એ થયો કે અમે હવે આગામી તબક્કાની શરૂઆત કરી કરવેરામાં ઘટાડો કરવા પર ધ્યાન આપી શકીએ છીએ. કરવેરામાં કાપ ગંભીર અને જવાબદાર રીતે અમલમાં મૂકાશે. અમે એકસાથે બધું કરી શક્તાં નથી. ફુગાવાનો દર અડધો થઇ ગયો છે તેનો અર્થ એ થાય છે કે આર્થિક વૃદ્ધિ મજબૂત બની છે અને સરકારની આવકમાં વધારો થયો છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર અર્થતંત્રના મામલામાં પાંચ લાંબાગાળાના નિર્ણય લેવા જઇ રહી છે. સરકાર દેશના દેવાનો બોજો ભાવિ પેઢીઓ પર નાખવા માગતી નથી. સરકારના પાંચ નિર્ણયો આ પ્રમાણે રહેશે. દેવામાં ઘટાડો, કરવેરામાં કાપ, આકરા પરિશ્રમને યોગ્ય વળતર, ઘરેલુ ઉર્જા સ્ત્રોતોનું નિર્માણ, બ્રિટિશ બિઝનેસને સહાય અને વિશ્વ કક્ષાનું શિક્ષણ. વડાપ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય દેવામાં ઘટાડામાં નિષ્ફળતા એટલે આપણી ભાવિ પેઢી પર દેવાનો બોજો નાખવો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, મારા ટીકાકારો કહે છે કે સરકાર જાહેર સેવાઓ માટે વધુ નાણા ઉછીના લેતી નથી પરંતુ તેઓ ખોટા છે. જનતાના જીવનોમાં હસ્તક્ષેપ કરવાના ઇરાદા ઊંચા હોવા જોઇએ. મારી સરકાર જનતા અને વેપાર-ઉદ્યોગને સહાય કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter