લંડનઃ બ્રિટિશ ટેલિકોમ્યુનિકેશન્સ ગ્રૂપમાં હિસ્સો વધારવાના ભારતીય અબજોપતિ સુનિલ ભારતી મિત્તલના કોઈપણ સંભવિત પ્રયાસનો બ્રિટન સરકાર વિરોધ કરશે તેમ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. આ મામલાથી વાકેફ સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે, સરકારે ક્રિટિકલ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાર્વભૌમ નિયંત્રણ જાળવી રાખવાની જરૂરિયાતનો હવાલો આપીને આ નિર્ણય લીધો છે.
ગયા સપ્તાહે એક વિશેષ અહેવાલમાં જણાવાયું હતું કે, ભારતી એન્ટરપ્રાઇઝિસ બીટી ગ્રૂપમાં પોતાનો હિસ્સો વધારવાની યોજના બનાવી રહી છે. જો કે ભારતીના પ્રવક્તાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કંપની તેના વર્તમાન હિસ્સાથી સંતુષ્ટ છે અને હાલમાં તેમાં વધારો કરવાની કોઈ યોજના નથી.
નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં ભારતી એન્ટરપ્રાઇઝિસના સ્થાપક અને ચેરમેન સુનિલ ભારતી મિત્તલ અને ભારતી એરટેલના વાઇસ-ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિઠ્ઠલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ તરીકે બીટીના બોર્ડમાં સામેલ થયા હતા.


