સરકાર રવાન્ડા ઉપરાંત આર્મેનિયા, આઇવરી કોસ્ટ, કોસ્ટારિકા અને બોત્સવાના સંપર્કમાં

2024ના પ્રથમ 4 મહિનામાં 6,265 માઇગ્રન્ટ્સે ઇંગ્લિશ ચેનલ પાર કરી

Tuesday 16th April 2024 10:13 EDT
 
 

લંડનઃ વર્ષ 2024માં પ્રથમ 4 મહિનામાં નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા 6.265 પર પહોંચી ગઇ છે. સપ્તાહાંતમાં કેન્ટના દરિયાકિનારે 748 માઇગ્રન્ટ્સ આવી પહોંચ્યાં હતાં. જેમાંથી 214 લોકો ડોવરના કિનારે ઉતર્યાં હતાં. સરકારે જણાવ્યું છે કે ચેનલ ક્રોસિંગના આંકડા વધી રહ્યાં છે તેથી રવાન્ડા પોલિસી અત્યંત મહત્વની બની જાય છે.

જો રવાન્ડા સ્કીમ સફળ ન થાય તો યુકે સરકાર આર્મેનિયા, આઇવરી કોસ્ટ, કોસ્ટારિકા અને બોત્સવાના સાથે આ પ્રકારની સંધિ કરવાના પ્રયાસ કરી રહી છે. સરકારે થર્ડ કન્ટ્રીની તલાશમાં ઇક્વાડોર, પેરાગ્વે, પેરૂ, બ્રાઝિલ અને કોલમ્બિયાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે આ યોજનામાં રસ દર્શાવ્યો નહોતો.

સુનાક સરકાર મોરક્કો, ટ્યુનિશિયા, નામિબિયા અને ગામ્બિયાની સરકારોના પણ સંપર્કમાં હતી પરંતુ તેમણે ધરાર ઇનકાર કરી દીધો હતો.

કોમન્સે રવાન્ડા બિલ પર હાઉસ ઓફ લોર્ડ્સના સુધારા ફગાવ્યા

હાઉસ ઓફ કોમન્સે રવાન્ડા બિલ પર હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા સૂચવાયેલા તમામ સુધારા ફગાવી દીધાં છે. હવે આ ખરડાને વધુ ચકાસણી માટે હાઉસ ઓફ લોર્ડ્સને મોકલી આપવામાં આવશે. રવાન્ડાને સુરક્ષિત દેશ ઠરાવતો આ ખરડો આ સપ્તાહમાં જ હાઉસ ઓફ કોમન્સમાં પસાર થાય તેવી સંભાવના છે. સરકાર પાસે બહુમતી હોવાથી હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા સૂચિત તમામ સુધારા ફગાવી દેવાશે. જોકે આ ખરડો બંને ગૃહની સહમતી ન થાય ત્યાં સુધી કાયદો બની શકશે નહીં. હાઉસ ઓફ લોર્ડ્સમાં આ ખરડામાં વધુ સુધારા સૂચવાય તેવી સંભાવના છે. સોમવારે હાથ ધરાયેલા મતદાનમાં સાંસદોએ 6 સુધારા ફગાવી દીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter