લંડનઃ ભારતીય મૂળના વરિષ્ઠ બ્રિટિશ રાજદ્વારી આમીર કોટેચાએ ફોરેન ઓફિસમાં પ્રવર્તતી અંધાધૂંધીની ટીકા કરતાં રાજીનામુ આપી દીધું છે. તેમણે આરોપ મૂક્યો છે કે ફોરેન ઓફિસ રાષ્ટ્રીય સુરક્ષાના સ્થાને આંતરરાષ્ટ્રીય કાયદાઓને વધુ પ્રાથમિકતા આપી રહી છે.
યુકે ટાઇમ્સમાં લખેલી કોલમ ફોરેન ઓફિસ ફેઇલ્સ ટુ પુટ બ્રિટન ફર્સ્ટમાં કોટેચાએ જણાવ્યું છે કે ઇરાનને અપાતા મહત્વ અને ચાગોસ ટાપુઓ મુદ્દે સરકારે સ્વીકારેલી શરણાગતિ એવા સમયે સામે આવી છે જ્યારે આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રાથમિકતા આપીને લાંબાગાળાના રાષ્ટ્રીય હિતોનું બલિદાન આપી દેવાયું છે.
કોટેચાએ જણાવ્યું હતું કે, ચાગોસ ટાપુઓ સોંપી દેવાના સરકારના નિર્ણય અને વડાપ્રધાન સ્ટાર્મર દ્વારા ઇરાન મુદ્દે અપનાવાયેલી ઢીલી નીતિને કારણે મેં રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે બ્રિટિશ જનતાના લાભ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ એવા કોટેચાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય હિત પર સ્પષ્ટ નીતિ અપનાવવાના બદલે બ્રિટિશ વિદેશ નીતિ આંતરરાષ્ટ્રીય કાયદા શું કહે છે તેના પર વકીલો દ્વારા અપાતી સલાહ પર કામ કરી રહી છે. કોટેચાએ ગયા મહિને તેલઅવિવની બ્રિટિશ એમ્બેસીમાંથી રાજીનામુ આપી દીધું હતું.


