લંડનઃ યુકેની અગ્રણી રેસ ઇક્વાલિટી થિન્ક ટેન્કના વિદાય થઇ રહેલા વડા ડો. હલીમા બેગમે જણાવ્યું છે કે સંસ્થાઓમાં પ્રવર્તતા વંશીય ભેદભાવના સતત ઇનકારથી સરકારની વિશ્વસનિયતા પર સવાલો સર્જ્યા છે. સરકારે તાજેતરમાં જ વંશીય ભેદભાવ પર જારી કરેલા વિવાદાસ્પદ રિપોર્ટમાં જણાવ્યું છે કે દેશમાં સંસ્થાગત વંશીય ભેદભાવના કોઇ પુરાવા પ્રાપ્ત થયાં નથી પરંતુ સંખ્યાબંધ નેશનલ સ્કેન્ડલ અલગ જ ચિત્ર રજૂ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર સંસ્થાગત વંશીય ભેદભાવનો સતત ઇનકાર કરી રહી છે પરંતુ બ્રિટનમાં બનતી ઘટનાઓ દેશમાં વસતા વંશીય લઘુમતી સમુદાયોના લોકોની વાસ્તવિકતા રજૂ કરે છે. તે પછી ક્રિકેટમાં હોય કે ફૂટબોલમાં. દરેક સમયે વંશીય ભેદભાવનો ઇનકાર કરી દેવામાં આવે છે. તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે તેનો અર્થ એ થયો કે સરકાર વંશીય ભેદભાવ નાબૂદ કરવામાં સફળ રહી નથી.
ડો. બેગમ કહે છે કે સરકાર વંશીય ભેદભાવના અસ્તિત્વનો જેટલો ઇનકાર કરે છે તેમ છતાં પૂરવાર થાય છે કે સરકાર વંશીય ભેદભાવ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ નથી. સરકાર જનતા પ્રત્યે પ્રતિબદ્ધ નથી કારણ કે દેશ અસમાનતા જોઇ રહ્યો છે. તેના કારણે સરકારની વિશ્વસનિયતા પર જ સવાલો સર્જાયા છે.


