લંડનઃ લેબર સરકાર ઇનહેરિટન્સ ટેક્સના સેવન યર રૂલને લક્ષ્યાંક બનાવે તેવી ચેતવણી આપવામાં આવી છે. ચાન્સેલર રેચલ રીવ્ઝ સેવન યર રૂલને લક્ષ્યાંક બનાવે તેવી ભીતિને પગલે પરિવારો તેમની સંપત્તિ વારસામાં આપવા ધસારો કરી રહ્યાં છે.
વર્તમાન નિયમ અનુસાર ભેટ આપનાર વ્યક્તિ ભેટ આપ્યાના સાત વર્ષમાં મૃત્યુ પામે તો નિલ-રેટ બેન્ડ ભેટના મૂલ્ય કરતાં ઘટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સંભવિત છૂટ અપાયેલી ભેટ 7 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી એસ્ટેટનો હિસ્સો જ ગણાય છે.
જો વ્યક્તિનું મોત થાય ત્યારે તેની કરપાત્ર એસ્ટેટનું મૂલ્ય છેલ્લા સાત વર્ષમાં પીઇટીનું કુલ મૂલ્ય નિલ-રેટ બેન્ડ કરતાં વધી જાય તો આ પ્રકારની ભેટ પર ઇનહેરિટન્સ ટેક્સની વસૂલાત કરાય છે. એકાઉન્ટન્સી કંપની બ્લિક રોધનબર્ગના ચીફ એક્ઝિક્યુટિવ નિમેષ શાહે ચેતવણી આપી છે કે લેબર સરકારના નિશાના પર હવે આ 7 વર્ષનો નિયમ છે.
ફાઇનાન્સિયલ પ્લાનિંગ ડિરેક્ટર ઓલી ચેન્ગ કહે છે કે લોકો મધ્યે એવી લાગણી પ્રવર્તી રહી છે કે સરકારને તિજોરી સરભર કરવા માટે કરવેરામાં વધારો કરવો પડશે. તેના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાના પગલે લોકો હવે વારસાઇ ભેટ આપવામાં ઉતાવળ કરી રહ્યાં છે.