લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીનાના ચેરમેન ઓલિવર ડાઉડેને કોરોના વાઈરસ મહામારીની પ્રથમ લહેરમાં બીનજરૂરી મોત તરફ દોરી ગયેલી સરકારની કોવિડ નિષ્ફળતા માટે માફી માગી છે. સાંસદોના રિપોર્ટમાં જણાવાયું હતું કે પ્રથમ લહેરમાં લોકડાઉન વહેલું લગાવાયું હોત તો ૪૦,૦૦૦નો મૃત્યુઆંક અડધો થઈ શક્યો હોત. વડા પ્રધાન જ્હોન્સને સાંસદોની કમિટીના રિપોર્ટના તારણો બાબતે કોઈ ટીપ્પણી કરી ન હતી.
ટોરી પાર્ટીના ચેરમેન ડાઉડેને આખરે સરકારના રિસ્પોન્સમાં કરાયેલી ભૂલો બદલ માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને વર્ષની શરૂઆતમાં જ જે પરિવારોએ આઘાત અને વિષાદ સહન કરવા પડ્યા છે તે બાબતે માફી માગી હતી અને હું પણ આ બાબતે માફી માગું છું. ગ્રેગ ક્લાર્ક અને જેરેમી હન્ટના આ રિપોર્ટ્સને હું આવકારું છું. સરકાર તેનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી ભલામણો વિશે પ્રતિભાવ આપશે. જો, તેમણે જણાવ્યું હતું કે મહામારી અભૂતપૂર્વ કટોકટી હતી અને ૧૦૦ વર્ષમાં એક વખત આવતી ઘટના હતી. ઘણી વખત આપણે પાછળથી વિચાર આવતા કામ કરીએ છીએ.
આંચકાજનક રિપોર્ટમાં સાંસદોએ જણાવ્યું હતું કે જો બોરિસ જ્હોન્સને ગત માર્ચ મહિનામાં વહેલું લોકડાઉન દાખલ કર્યું હોત તો પ્રથમ લહેરમાં થયેલા ૪૦,૦૦૦ લોકોના મોતનો આંકડો અડધો રહ્યો હોત. હેલ્થ એન્ડ સોશિયલ કેર કમિટી અને સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટીએ સરકાર દ્વારા મોડાં લાગુ કરાયેલા લોકડાઉન્સથી માંડી ટેસ્ટ એન્ડ ટ્રેસની નિષ્ફળતા સહિતની શ્રેણીબદ્ધ ભૂલો દર્શાવતો રિપોર્ટ જાહેર કરતા શોકાતુર પરિવારોમાં ભારે રોષ ફેલાયો હતો. આ પછી કેબિનેટ ઓફિસ મિનિસ્ટર સ્ટીવ બાર્કલેએ અનેક ઈન્ટરવ્યૂમાં માફી માગવાનું સ્પષ્ટપણે નકારતા રોષમાં વધારો થયો હતો.