લંડનઃ યુકે સરકાર નવા 'Snooper's Charter' હેઠળ તમારી તમામ ઓનલાઈન કામગીરી પર નજર રાખતી થશે. નવેમ્બર મહિનામાં પસાર કરાયેલા અને ટીકાકારો દ્વારા પ્રાઈવસી પર આક્રમણ સમાન ગણાવાયેલા ઈન્વેસ્ટિગેટરી પાવર્સ બિલને શાહી મંજૂરી પણ મળી છે. સરકારે આ સત્તાઓ ત્રાસવાદ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે લડવા માટે આવશ્યક હોવાનું ગણાવ્યું છે. એપ કંપનીઓએ એક વર્ષ સુધી ડેટા જાળવી રાખવો પડશે અને પોલીસ તમારા ફોનનું હેકિંગ પણ કરી શકશે. લોર્ડ્સ દ્વારા આ બિલમાં સુધારાનો પ્રયાસ થયો હતો પરંતુ, સાંસદોએ સુધારા ફગાવી દીધા હતા.
રેગ્યુલેશન ઓફ ઈન્વેસ્ટિગેટરી પાવર્સ એક્ટનું સ્થાન ૩૦ ડિસેમ્બરથી નવા ઈન્વેસ્ટિગેટરી પાવર્સ બિલે લીધું છે. આ કાયદાના પરિણામે પોલીસ સત્તાવાર રીતે તમારા ફોનને હેક કરી શકશે અને તમારી બ્રાઉઝિંગ હિસ્ટરી પણ તપાસી શકશે. લોકોના ઈલેક્ટ્રોનિક ડેટાને એપ કંપનીઓએ ૧૨ મહિના સુધી સાચવી રાખવા પડશે અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ તેનો કબજો મેળવી શકશે.
નવેમ્બરમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં બિલ પસાર કરાયું તે અગાઉ ફોન અથવા ઈમેઈલ હેકિંગના આક્ષેપોને સાંકળતા કોઈ કેસમાં પ્રેસ માધ્યમો દ્વારા બન્ને પક્ષકારોને કોર્ટ ખર્ચ અપાવો જોઈએનો સુધારો રજૂ કરાયો હતો. જોકે, તે પસાર થઈ શક્યો નહિ. બિલની નૈતિકતાના વિવાદ ઉપરાંત, તેની અસરકારકતા સામે પણ પ્રશ્નાર્થ કરાયો છે. ઈન્ટરનેટના ઉપયોગકર્તાઓ આ બિલની ચુંગાલમાં ન અવાય તે રીતે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે. આ સોફ્ટવેરનો ઉપયોગ ડેટાને સાંકેતિક લિપિમાં ફેરવી નાકે છે અને કનેક્શન આપતી કંપનીઓથી તેને રક્ષણ મળે છે. ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની ટીકાકાર કે બીબીસી જેવી સમાચાર વેબસાઈટ્સ અને પોર્ન વેબસાઈટ્સ સહિત ઈન્ટરનેટ પર કડક નિયંત્રણોને ટાળવા માટે લોકો દ્વારા સામાન્યપણે VPN સોફ્ટવેરનો ઉપયોગ કરાય છે.


