લંડનઃ પેન્શનરોને વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ મામલે લેબર સરકારને મોટો યુ-ટર્ન લેવાની ફરજ પડી છે. ચાન્સેલર રેચલ રીવ્ઝના 1.25 બિલિયન પાઉન્ડના યુ-ટર્નને કારણે મહત્તમ પેન્શનરોને આ વર્ષે વિન્ટર ફ્યુઅલ પેમેન્ટનો લાભ મળશે.
સરકારની જાહેરાત અનુસાર 66 વર્ષથી ઉપરના અને 35000 પાઉન્ડ પ્રતિ વર્ષથી ઓછી આવક ધરાવતા તમામ પેન્શનરને આ વર્ષે વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ ચૂકવાશે. તેનો અર્થ એ થયો કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 9 મિલિયન પેન્શનરને આ વર્ષે આ બેનિફિટ મળશે.
એચએમ ટ્રેઝરીના જણાવ્યા અનુસાર લોઅર અને મિડલ ઇનકમ ધરાવતા કોઇપણ પેન્શનર આ બેનિફિટથી વંચિત રહેશે નહીં. આ જાહેરાતના પગલે પરિવાર દીઠ 200 પાઉન્ડ અને 80 વર્ષથી વધુ વયના પેન્શનરના પરિવારને 300 પાઉન્ડનું વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ અપાશે. 35000 પાઉન્ડથી વધુ આવક ધરાવતા પેન્શનરોને ટેક્સ સિસ્ટમ દ્વારા પેમેન્ટ કરાશે. આ પ્રકારના પેન્શનરને કોઇ પગલાં લેવાની જરૂર નથી પરંતુ તેઓ ઇચ્છે તો આ બેનિફિટ નહીં લેવાનો વિકલ્પ અપનાવી શકે છે.
ચાન્સેલર રેચલ રીવ્ઝએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ અટકાવવાનો નિર્ણય અત્યંત અઘરો હતો પરંતુ અગાઉની સરકાર દ્વારા વારસામાં મળેલી સમસ્યાઓના કારણે અમારે આ નિર્ણય લેવો પડ્યો હતો. અમે ઓછી આવક ધરાવતા કોઇપણ પેન્શનર આ બેનિફિટથી વંચિત ન રહે તેવો અભિગમ અપનાવ્યો છે. તેનો અર્થ એ થયો કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 75 ટકા પેન્શનરને આ બેનિફિટ મળશે.
એચએમ ટ્રેઝરીના અંદાજ પ્રમાણે આ નિર્ણયને કારણે સરકાર પર 1.25 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. આ પેમેન્ટ ઓટોમેટિક કરાશે અને પેન્શનરોએ તે માટે કોઇ કાર્યવાહી કરવાની રહેશે નહીં.
સરકારના નિર્ણય પર કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન કેર સ્ટાર્મરને તેમણે પોતે જ સર્જેલી અંધાધૂંધી દૂર કરવાની ફરજ પડી છે. હું વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ રદ કરવાના તેમના નિર્ણયને વારંવાર પડકાર આપતી હતી. પરંતુ સ્ટાર્મર ઘમંડ સાથે મારી ટીકાઓને નકારી કાઢતા હતા.