સરકારી કર્મચારીઓના પગારમાં પાંચથી સાત ટકાનો વધારો

પોલીસ અને જેલના કર્મચારીઓના પગારમાં 7 ટકા જ્યારે શિક્ષકો અને જુનિયર ડોક્ટરના પગારમાં અનુક્રમે 6.5 ટકા તથા 6.0 ટકાનો વધારો કરાયો

Tuesday 18th July 2023 11:06 EDT
 
 

લંડનઃ સરકારે જાહેરાત કરી છે કે પોલીસ, શિક્ષક, જુનિયર ડોક્ટર સહિતના પબ્લિક સેક્ટરના લાખો કર્મચારીઓના પગારમાં પાંચથી સાત ટકાનો વધારો કરાશે. પોલીસ અને જેલના કર્મચારીઓના પગારમાં 7 ટકા જ્યારે શિક્ષકો અને જુનિયર ડોક્ટરના પગારમાં અનુક્રમે 6.5 ટકા તથા 6.0 ટકાનો વધારો કરાયો છે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, તેમણે પે રિવ્યૂ બોડી દ્વારા કરાયેલી ભલામણોને સ્વીકારી લીધી છે. જોકે આ પગાર વધારા માટે સરકાર દ્વારા કોઇ ટેક્સમાં વધારો નહીં કરાય કે દેવુ પણ નહીં કરાય. સુનાકે કર્મચારીઓને ચેતવણી આપી હતી કે પગાર વધારાનો આ નિર્ણય અને ઓફર અંતિમ છે અને હવે કોઇપણ પ્રકારની હડતાળ છતાં સરકાર દ્વારા નિર્ણય બદલવામાં આવશે નહીં. વડાપ્રધાને જણાવ્યું હતું કે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કરાયેલા પગાર વધારાનો સંપુર્ણ બોજો સરકાર ઉઠાવશે.

પગાર વધારાના કારણે પડનારા બોજાના નાણા ક્યાંથી આવશે તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, તેઓ સરકારી વિભાગોને પગાર પરની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે. સરકાર યુકે આવતા માઇગ્રન્ટ્સ પાસેથી વસૂલાતી વિઝા ફી અને અન્ય ચાર્જમાં વધારો કરીને 1 બિલિયન પાઉન્ડ એકઠાં કરશે.

કોના પગારમાં કેટલો વધારો

પોલીસ અધિકારીઓઃ 7.0 ટકા

જુનિયર ડોક્ટરઃ 6.0 ટકા

જેલ કર્મચારીઓઃ 7.0 ટકા

સશસ્ત્ર દળોઃ 5.0 ટકા

શિક્ષકોઃ 6.5 ટકા

સીનિયર સરકારી કર્મચારીઓઃ 5.5 ટકા

યુનિયનોને હડતાળો પાછી ખેંચી લેવા વડાપ્રધાન સુનાકની અપીલ

વડાપ્રધાન રિશી સુનાકે પબ્લિક સેક્ટરના ટ્રેડ યુનિયનોને હડતાળો પાછી ખેંચી લેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્ર એડવાઇઝરી બોડી દ્વારા કરાયેલી પગાર વધારાની ભલામણોનો સરકારે સ્વીકાર કરી લીધો છે તેથી હું તમામ યુનિયન નેતાઓને પગારવધારાની ઓફર સ્વીકારી હડતાળો પાછી ખેંચી લેવાની અપીલ કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter