લંડનઃ પબ્લિક સેક્ટરના લાખો કર્મચારીઓને સરકાર દ્વારા 3.6 ટકાથી 4.5 ટકા સુધીનો પગાર વધારો આપવાની જાહેરાત કરાઇ છે. જેના પગલે નર્સો, ડોક્ટરો, શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે. સરકારે પે રિવ્યૂ કમિટીઓ દ્વારા કરાયેલી પગાર વધારાની ભલામણો સ્વીકારી લીધી છે.
સરકારે જણાવ્યું છે કે ઇંગ્લેન્ડમાં શિક્ષકો અને ડોક્ટરોના પગારમાં 4 ટકાનો જ્યારે એનએચએસના અન્ય કર્મચારીઓના પગારમાં 3.6 ટકાનો વધારો કરાશે. એનએચએસના સિનિયર મેનેજરો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓના પગારમાં 3.25 ટકાનો વધારો થશે.
સશસ્ત્ર સેનાઓના મોટાભાગના કર્મચારીઓને 4.5 ટકાનો વધારો આપવાની જાહેરાત ડિફેન્સ સેક્રેટરી જ્હોન હિલી દ્વારા કરાઇ છે. મિલિટરીના વરિષ્ઠ અધિકારીઓના પગારમાં 3.75 ટકાનો વધારો થશે.
એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને જણાવ્યું હતું કે, પગાર વધારાને પહોંચી વળવા માટે શાળાઓને 615 મિલિયન પાઉન્ડનું વધારાનું ભંડોળ ફાળવવામાં આવશે. અમારી સરકાર સત્તામાં આવી ત્યારથી શિક્ષકોના પગારમાં 10 ટકા સુધીનો વધારો કરાયો છે અને છેલ્લા 4 વર્ષમાં 22 ટકાનો વધારો થયો છે.