લંડનઃ સરકારી પેન્શન માટેની વયમર્યાદા ફરી વધી શકે છે અને નિષ્ણાતોની ચેતવણી અનુસાર યુવાન લોકો ૭૪ વર્ષની વય સુધી કામ કરી શકે છે. ઓફિસ ફોર બજેટ રીસ્પોન્સિબિલિટીની આગાહી અનુસાર ૨૦૬૦ના દાયકા સુધીમાં પેન્શન વયમર્યાદામાં ૧૦ વર્ષ જેટલો વધારો થઈ શકે છે. જેની ગંભીર અસર અત્યારે ૨૦-૨૫ની વયના વર્કર્સ અને ભાવિ પેઢીઓને થઈ શકે છે.
ટ્રેઝરીના સ્વતંત્ર વોચડોગ OBRના રિપોર્ટ અનુસાર ચાલીસીના ઉત્તરાર્ધ અને પચાસીના પૂર્વાર્ધમાં કાર્યરત વર્કર્સને પણ મોડી નિવૃત્તિનો સામનો કરવો પડી શકે છે. અત્યારે પુરુષ અને સ્ત્રી માટે ૨૦૨૦ સુધીમાં સરકારી પેન્શન માટેની વય ૬૬ વર્ષ, ૨૦૨૮માં ૬૭ વર્ષ અને ૨૦૪૬ સુધીમાં ૬૮ વર્ષ થવાની છે. વૃદ્ધ થતી વસ્તીના લીધે ૨૦૩૦ના દાયકામાં પણ નિવૃત્તિવય વધી શકે છે. પુરુષ અને સ્ત્રી માટે ૨૦૩૧ સુધીમાં સરકારી પેન્શન વયમર્યાદા ૬૮ વર્ષ, તે પછી ૨૦૩૪માં ૬૯ વર્ષ અને ૨૦૩૭માં ૭૦ વર્ષની થઈ શકે છે. આગળ વધીને ૨૦૬૩ સુધીમાં ૭૪ વર્ષ જેટલે ઊંચે જઈ શકે છે.
આનો અર્થ એ છે કે ૧૯૮૯ પછી જન્મનાર વ્યક્તિએ સ્ટેટ પેન્શન મેળવવા તેની વય ૭૪ની થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. OBRની નોંધ જણાવે છે કે ૨૦૬૦ના દાયકાની મધ્યમાં ૭૪ વર્ષીય વ્યક્તિની આયુમર્યાદા ૧૦૦ વર્ષની હોઈ શકે છે અને ત્યાં સુધીમાં ૧૦૦ અને તેથી વધુ વયના લોકોની સંખ્યા એક મિલિયન થવાની શક્યતા રહેલી છે.


