લંડનઃ ફૂગાવો આસમાને જઈ રહ્યો છે ત્યારે ચાન્સેલર સુનાક આ વર્ષે ટ્રિપલ લોક સિસ્ટમનો અમલ કરશે તો તેના હેઠળ સરકારી પેન્શનમાં વાર્ષિક 1,000થી 10,600 પાઉન્ડ સુધીનો વધારો થઈ શકે છે. અગાઉ, બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ જણાવ્યું હતું કે તેની 7.25 ટકાની આગાહી કરતાં પણ ફૂગાવો થોડો વધશે. જૂન સુધીમાં ભાવવધારો 8 ટકા અને ઓટમ સુધીમાં 10 ટકાએ પહોંચી જવાની શક્યતા છે. ચાન્સેલર સુનાક મહામારી અને યુક્રેન યુદ્ધનું કારણ આગળ ધરી આ વર્ષે પણ ટ્રિપલ લોક મિકેનિઝમ સસ્પેન્ડ રાખશે તો લાખો પેન્શનરોને મોટું નુકસાન જઈ શકે છે.
આના પરિણામે, લોકોના અને ખાસ કરીને નિશ્ચિત આવક પર જીવતા પેન્શનરોના ખિસ્સા પર વધુ દબાણ આવશે. જોકે, પેન્શનર્સ માટે સારા સમાચાર એ કહેવાય કે ગઠબંધન સરકારે 2010માં દાખલ કરેલાં ટ્રિપલ લોક મિકેનિઝમ હેઠળ ઈન્ફ્લેશનની સાથોસાથ સરકારી પેન્શન પણ વધશે. ટ્રિપલ લોક મિકેનિઝમ ગેરન્ટી આપે છે કે આવક અથવા ફૂગાવામાંથી જે વધારે હોય તેને સુસંગત 2.5 ટકાના હિસાબે સરકારી પેન્શન વધશે.
એપ્રિલ મહિનાથી નવું સરકારી પેન્શન સાપ્તાહિક મહત્તમ185.50 પાઉન્ડ થશે જે વાર્ષિક ધોરણે 9,627.80 પાઉન્ડ થશે. ફૂગાવાના 10 ટકા વધારાથી એપ્રિલ 2023થી તે 963 પાઉન્ડના વધારા સાથે વાર્ષિક 10,591 પાઉન્ડ થઈ જશે. જોકે, બેન્ક ઓફ ઈંગ્લેન્ડના અંદાજ અનુસાર આગામી વર્ષના સ્પ્રિંગ સુધીમાં ફૂગાવો ઘટવા લાગશે. જો આ સાચુ પડશે તો સરકારી પેન્શનમાં 10 ટકાનો વધારો કિંમતો કરતાં પણ વધુ ઝડપે વધશે.
ટ્રિપલ લોક હેઠળ સરકારી પેન્શનરોને 6 એપ્રિલથી આઠ ટકાથી વધુ પગારવધારો મળવાનો થાય પરંતુ, ડિપાર્ટમેન્ટ પેન્શનર્સને આગામી મહિનાથી માત્ર 3.1 ટકાનો વધારો મળશે. સુનાક ટ્રિપલ લોક ઉઠાવવાની ગણતરી માટે સપ્ટેમ્બરના ફૂગાવાના આંકડા ધ્યાનમાં લે છે અને જો ત્યાં સુધીમાં ભાવવધારો 8 કે 10 ટકાએ પહોંચી જાય તો પેન્શનરોને ભારે ફાયદો થઈ શકે છે.


