લંડન
જેરેમી હન્ટે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે દેશમાં સરકારી શાળાઓને આગામી બે વર્ષમાં 2.3 બિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે. તેનો અર્થ એ થયો ક 2024-25 સુધીમાં વિદ્યાર્થીની માથાદીઠ ફાળવણી 1000 પાઉન્ડ કરતાં વધુ થશે. સરકાર દ્વારા કરાયેલી આ ફાળવણીના પગલે શાળાઓને અપાતું ભંડોળ આ વર્ષે 53.8 બિલિયન પાઉન્ડ રહેશે અને 2025 સુધીમાં વધીને 58.8 બિલિયન પાઉન્ડ પર પહોંચી જશે. આ ભંડોળમાં 300 મિલિયન પાઉન્ડની એ ફાળવણીનો પણ સમાવેશ થાય છે જેને સરકાર શાળાઓ પાસેથી પાછું લઇ શક્તી નથી.
ચાન્સેલર દ્વારા કરાયેલી ભંડોળની ફાળવણીને શાળા સત્તાવાળાઓ દ્વારા વધાવી લેવાઇ છે. તેઓ લાંબાસમયથી પગાર વધારા અને એનર્જી કોસ્ટમાં વધારાના કારણે શાળાઓના બજેટ પર પડી રહેલી અસરોના કારણે ફાળવણીમાં વધારો કરવાની માગ કરી રહ્યાં હતાં.
એસોસિએશન ઓફ સ્કૂલ એન્ડ કોલેજ લીડર્સના જનરલ સેક્રેટરી જ્યોફ બાર્ટને જણાવ્યું હતું કે, ચાન્સેલર દ્વારા કરાયેલી જાહેરાત હકારાત્મક સમાચાર છે. શાળા સત્તાવાળા અને વાલીઓ દ્વારા પ્રદર્શિત કરાયેલી ચિંતાઓ પ્રત્યે સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે.


