લંડન
સ્થાનિક સત્તામંડળના આગેવાનોએ ચેતવણી આપી છે કે સરકારી સહાય વિના મોટી સંખ્યામાં રૂટ પર બસ સેવાઓ બંધ થઇ શકે છે. કોરોના મહામારી દરમિયાન ચોક્કસ રૂટ પર બસ સેવા જારી રાખવા માટે બસ રિકવરી ગ્રાન્ટ આપવાનું શરૂ કરાયું હતું જે માર્ચના અંતે સમાપ્ત થઇ જશે. તેની સાથે સરકાર દ્વારા શરૂ કરાયેલી બે પાઉન્ડ ભાડાની સિસ્ટમનો પણ અંત આવી જવાનો છે. સરકારી સહાય અપાતી હોવા છતાં 2022માં 1000 કરતાં વધુ રૂટ પર બસ સેવા બંધ કરી દેવાઇ હતી.
લોકલ ગવર્મેન્ટ એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ ગ્રુપોએ ચેતવણી આપી છે કે વધુ હજારો રૂટ પર બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી શકે છે જેના કારણે નેશનલ બસ સ્ટ્રેટેજી નિષ્ફળ થઇ શકે છે. કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી પ્રવાસીઓની સંખ્યામાં સરેરાશ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. બસ રૂટને વ્યાવસાયિક ધોરણે જારી રાખવા માટે સરકારી સહાયની આવશ્યકતા છે.
કાઉન્સિલોએ જણાવ્યું છે કે બસ સેવાઓ જારી રાખવા માટેના ખર્ચમાં ગયા વર્ષ કરતાં 20 ટકાનો વધારો થયો છે. કોરોના મહામારી પહેલાના સ્તરે પ્રવાસીઓની સંખ્યા પહોંચી નથી તેથી સ્પષ્ટ છે કે સરકારની સહાય વિના કેટલાક રૂટ પર બસસેવા જારી રાખવી શક્ય નથી.


