સરકારી ‘હેલ્પ ટુ બાય’ સ્કીમથી સસ્તી લોન મેળવતા ધનવાનો

Thursday 10th September 2015 08:30 EDT
 
 

લંડનઃ લોકોને ઘર ખરીદવા સરળતાથી મોર્ગેજ મળી રહે તે માટે સરકારે ‘હેલ્પ ટુ બાય’ સ્કીમ ચલાવી છે. જે લોકો ૫ ટકા ડિપોઝીટની બચત કરે છે તેમને સરકાર તરફથી ૨૦ ટકા લોન મળે છે. જોકે, નવાઈની વાત એ છે કે બ્રિટનના કેટલાક તવંગર દંપતીઓ આ સ્કીમનો લાભ મેળવી રહ્યાં છે. આ સ્કીમ હેઠળ £૫૦૦,૦૦૦થી વધુ કિંમતના ૬૨૫ ઘર ખરીદાયાં છે. વાર્ષિક £૧૦૦,૦૦૦થી વધુ કમાણી કરતા ૧,૭૫૮ દંપતીએ પણ સસ્તી સરકારી લોન મેળવી છે.

પ્રથમ વખત ઘર ખરીદવા સંઘર્ષ કરતા ખરીદારોને મદદ કરવા સરકારે ‘હેલ્પ ટુ બાય’ સ્કીમ શરૂ કરી છે. જોકે, સરકારી આંકડા અનુસાર દેશના ટોપ ૧૦ ટકા સૌથી ધનવાન પરિવારોમાં આવતા કેટલાક ધનવાન દંપતીએ પણ આ યોજનાનો લાભ લીધો છે. પ્રોપર્ટી ધરાવતા અને વાર્ષિક £૧૦૦,૦૦૦થી વધુ કમાણી કરતા આશરે ૫૦૦ દંપતીએ પણ તેનો લાભ મેળવ્યો છે. પ્રથમ વખત ઘર ખરીદનારા માટે લોનનો અડધો હિસ્સો વાર્ષિક £૪૦,૦૦૦ અથવા ઓછી કમાણી કરનારને મળ્યો છે. જોકે, બીજી હકીકત એ છે કે ૩૦,૦૦૦થી વધુ લોન દેશમાં સૌથી વધુ કમાણી કરનારા ૩૦ ટકા એટલે કે વાર્ષિક £૪૦,૦૦૦થી વધુ કમાણી કરનારને અપાઈ છે.

બ્રિટનમાં સરેરાશ પારિવારિક આવક £૩૩,૧૫૫ છે. મોટા ભાગના સરેરાશ પરિવારને પોસાય તેથી વધુ કિંમતના ઘર ખરીદવા £૧૨૦,૦૦૦ સુધીની સરકારી લોનનો ઉપયોગ કરાયો છે. યુકેમાં જૂન મહિનામાં ઘરની સરેરાશ કિંમત માત્ર £૨૭૭,૦૦૦ હતી, જ્યારે પ્રથમ વખત ઘર ખરીદનારા માટે £૨૧૩,૦૦૦ની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter