લંડનઃ બોરિસ સરકારે કોરોના વાઈરસ મહામારી સામે લડવાના સ્લોગનમાં ચુપકીદિ સાથે ફેરફાર કરી દીધો છે. સરકારે સૌપ્રથમ ‘સ્ટે હોમ. પ્રોટેક્ટ ધ NHS. સેવ લાઈવ્ઝ’ સૂત્ર જાહેર કર્યું હતુ. આ પછી, ‘સ્ટે એલર્ટ. કન્ટ્રોલ ધ વાઈરસ. સેવ લાઈવ્ઝ’ સૂત્ર જારી કરવામાં આવ્યું હતું. જોકે, ‘સ્ટે એલર્ટ’ સૂત્રમાં કશું સ્પષ્ટતાનો અભાવ હોવાનું જણાવી તેની ભારે ટીકા થવાથી સરકારે કોઈ ઉહાપોહ કર્યા વિના આ સૂત્ર બદલીને ‘કીપ અવર ડિસ્ટન્સ, વોશ અવર હેન્ડ્ઝ, થિન્ક ઓફ અધર્સ એન્ડ પ્લે અવર પાર્ટ ઓલ ટુગેધર’ કર્યું છે.
સરકારના સ્ટે એલર્ટ સૂત્રની ભારે ટીકા થવા સાથે તેમાં ફેરફાર કરી દેવાયો છે. ટીકાકારોએ જણાવ્યું હતું કે લોકો સ્ટે એલર્ટ એટલે શું તેના વિશે સ્પષ્ટ ન હતા. સરકારે મહામારીના જંગમાં સૌપ્રથમ ‘સ્ટે હોમ. પ્રોટેક્ટ ધ NHS. સેવ લાઈવ્ઝ’ સૂત્ર જાહેર કર્યું હતુ. આ પછી, લોકડાઉનમાં છૂટછાટ જાહેર કરવા સાથે નવું સૂત્ર ‘સ્ટે એલર્ટ. કન્ટ્રોલ ધ વાઈરસ. સેવ લાઈવ્ઝ’ જારી કરવામાં આવ્યું હતું. જોકે, સ્ટે એલર્ટ સ્લોગન અર્થહીન હોવાનું જણાવી વિરોધીઓ સરકાર પર તૂટી પડ્યા હતા.
મિનસ્ટર્સે હવે વધારાનું સૂત્ર ‘કીપ અવર ડિસ્ટન્સ, વોશ અવર હેન્ડ્ઝ, થિન્ક ઓફ અધર્સ એન્ડ પ્લે અવર પાર્ટ ઓલ ટુગેધર’ આપ્યું છે, જે લોકોએ ખરેખર શું કરવાનું છે તે સ્પષ્ટપણે જણાવે છે. સરકાર દ્વારા જાહેર કર્યા વિના જ આ સૂત્ર ફરતું કરાયું છે. જોકે, સૂત્રોએ કહ્યું હતું કે આ પણ ‘સ્ટે એલર્ટ’નો જ ભાગ છે.
‘સ્ટે એલર્ટ’ સ્લોગન અપનાવાયા પછી ગત સપ્તાહે લેવાયેલા પોલમાં જણાયું હતું કે લોકો આ સંદેશાથી મૂંઝવણમાં મૂકાયા છે. YouGovના પોલમાં જણાવાયું હતું કે ૯૧ ટકા લોકોએ ‘સ્ટે હોમ’ સ્લોગનથી તેમણે શું કરવાનું છે તેનો સ્પષ્ટ સંદેશો મળ્યો હતો. જોકે, ૩૦ ટકા લોકોએ તેઓ ‘સ્ટે એલર્ટ’ સ્લોગનનો અર્થ સમજ્યા હોવાનું કહ્યું હતું. બીજી તરફ, જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે પણ સ્વીકાર્યું હતું કે ‘સ્ટે હોમ’ સ્લોગનની સરખામણીએ ‘સ્ટે એલર્ટ’ સમજાવવું વધુ મુશ્કેલ છે કારણકે તેમાં ઘણા સંદેશા સમાયા છે.