લંડનઃ સરકારે બ્રેક્ઝિટ મુદ્દે ખાનગી સલાહકારો પાસેથી નો-ડીલ પ્લાનિંગ સહિતની સલાહ મેળવવા માટે દેશના કરદાતાઓના આશરે ૧૦૦ મિલિયન પાઉન્ડનો ધૂમાડો કરી નાખ્યો છે છતાં, કોઈ નિર્ણય લઈ શકાયો નથી અને અરાજકતા યથાવત છે. નેશનલ ઓડિટ ઓફિસ (NAO) ના ડ્રાફ્ટ રિપોર્ટમાં આ વર્ષના એપ્રિલ સુધીમાં સરકારી વિભાગોએ કેવી રીતે બ્રેક્ઝિટ સલાહકારોને ૯૭ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા છે અને તેમાં પારદર્શકતા જાળવી નથી તે જણાવાયું છે. ઈયુમાંથી બહાર નીકળવાની મથામણ ચાલી રહી છે ત્યારે ૨૦૨૦ સુધીમાં આ રકમ ૨૪૦ મિલિયન પાઉન્ડ સુધી પહોંચી જશે તેવો અંદાજ પણ દર્શાવ્યો છે.
યુકે સમજૂતી અથવા સમજૂતી વિના પણ ઈયુ છોડે ત્યારે તે માટેની તૈયારી તેમજ નાગરિકો માટે તાકીદની વ્યવસ્થા કેવી રાખવી જોઈએ તે મુદ્દે સરકાર તૈયાર રહે તે માટેની કામગીરી મુદ્દે આ સલાહ લેવાતી હોવાનું પણ રિપોર્ટમાં સમજાવાયું છે. સરકાર હજુ કોઈ પણ સમજૂતી કરી શકી નથી અને ઈયુમાંથી બહાર નીકળવાની આખરી તારીખ ૩૧ ઓક્ટોબર છે ત્યારે ભાડે રખાયેલા બ્રેક્ઝિટ સલાહકારો પર સરકારનો આધાર વધી રહ્યો છે. રિપોર્ટમાં બ્રેક્ઝિટ સિવાય પણ કન્સલન્ટન્ટ્સ પર કરાતા ખર્ચમાં વધારો દર્શાવાયો છે, ૨૦૧૫-૧૬માં ૫૧૩ મિલિયનથી વધીને ૨૦૧૭-૧૬માં ૧.૫૪ બિલિયન પાઉન્ડ થયો છે.
બ્રેક્ઝિટ સલાહ પાછળનો સૌથી વધુ ૬૫ મિલિયન પાઉન્ડ (૯૬ ટકા)નો ખર્ચ કેબિનેટ ઓફિસ એરેન્જમેન્ટ્સ હેઠળ થયો છે. આ રકમ છ કન્સલ્ટન્સી કંપનીઓ- ડેલોઈટ (૧૪.૩ મિલિયન), પીએ કન્સલ્ટિંગ(૧૨.૩ મિલિયન), પ્રાઈસવોટરહાઉસકૂપર્સ (PWC) (૧૧.૮ મિલિયન), અર્ન્સ્ટ એન્ડ યંગ (૯.૮ મિલિયન), બેઈન એન્ડ કંપની (૭.૧ મિલિયન) અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (૬.૮ મિલિયન) તથા અન્ય (૨.૪ મિલિયન)ને અપાઈ છે. કેબિનેટ ઓફિસ હેઠળ ખર્ચ કરનારા વિભાગોમાં કેબિનેટ ઓફિસ (૧૨.૪ મિલિયન), હોમ ઓફિસ (૧૦.૨ મિલિયન), બોર્ડર ડિલિવરી ગ્રૂપ (૧૦.૨ મિલિયન), ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (૮.૬ મિલિયન) અને ડિપાર્ટમેન્ટ ફોર એન્વિરોન્મેન્ટ, ફૂડ એન્ડ રુરલ એફેર્સ (૮ મિલિયન)નો સમાવેશ થાય છે.


