સરકારે સબ પોસ્ટમાસ્ટરોના વળતરમાં વિલંબ કરવાની સૂચના આપી હોવાનો આરોપ

બરખાસ્ત પૂર્વ ચેરમેન સ્ટાઉન્ટનના આરોપો કેમી બેડનોકે ફગાવી દીધાં

Tuesday 20th February 2024 12:18 EST
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસના પૂર્વ ચેરમેન હેન્રી સ્ટાઉન્ટને આરોપ મૂક્યો છે કે મને એક વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા સબ પોસ્ટમાસ્ટરોને ચૂકવાતા વળતરમાં વિલંબ કરવાની સૂચના અપાઇ હતી જેથી સરકાર આગામી સંસદની ચૂંટણીમાં વળતર આપ્યાનો લાભ ખાટી શકે. હોરાઇઝન સ્કેન્ડલના મામલે સ્ટાઉન્ટનને ગયા મહિને બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક દ્વારા બરતરફ કરાયા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિલ નિક રીડે હોરાઇઝન સ્કેન્ડલમાં દોષી ઠરેલા સબ પોસ્ટમાસ્ટરોને સાગમટે નિર્દોષ જાહેર કરવાના સરકારના પગલાં ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. 

સ્ટાઉન્ટને આરોપ મૂક્યો હતો કે દેશમાં આગામી સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં પોતાની નાણાકીય જવાબદારી ઘટાડવા માટે સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસો અંતર્ગત સબ પોસ્ટમાસ્ટરોના વળતરને વિલંબિત કરવાની માગ કરાઇ હતી. આ માગ ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસના એક વરિષ્ઠ અધિકારી દ્વારા કરાઇ હતી. તે અંગેની ફાઇલ નોટ પણ મેં મૂકી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ મામલો પોસ્ટમાસ્ટરો વિરોધી નથી પરંતુ ફાઇનાન્સને લગતો છે. મેં તે અંગે સવાલ કર્યો નહોતો કારણ કે હું તેનો હિસ્સો નહોતો. જોકે સરકારે સ્ટાઉન્ટનના દાવાને નકારી કાઢ્યો હતો. કેમી બેડનોકે સ્ટાઉન્ટન પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સ્ટાઉન્ટન તેમની હકાલપટ્ટી માટે અપાયેલા કારણોની ખોટી રજૂઆતો કરી રહ્યાં છે. તેઓ મારી સાથે થયેલી ચર્ચાનું ખોટું અર્થઘટન કરી રહ્યાં છે. તેઓ પોસ્ટમાસ્ટરોને ન્યાય અપાવવામાં સક્ષમ નહોતા તેથી તેમનું રાજીનામુ માગી લેવાયું હતું. સ્ટાઉન્ટન હવે મીડિયામાં જુઠ્ઠાણા ચલાવી રહ્યાં છે. હું આ મામલે સરકારના વકીલો સાથે પણ વાત કરવાની છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter