લંડનઃ થેરેસા મેએ તેમની સરકાર બ્રેક્ઝિટ વિષયે અસ્પષ્ટ વિચારોથી ઘેરાયેલી હોવાનું નકારવા સાથે ઈયુ સભ્યપદના ટુકડાઓ નહિ સ્વીકારે તેમ કહીને હાર્ડ બ્રેક્ઝિટનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. જો યુકેને તેની સરહદો પર સંપૂર્ણ અંકુશ જાળવવા નહિ દેવાય તો વડા પ્રધાન થેરેસા મે દેશને સિંગલ માર્કેટમાંથી બહાર ખેંચી લેવા તૈયાર છે. થેરેસા મેની મહત્ત્વપૂર્ણ બ્રેક્ઝિટ સ્પીચમાં બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસ અને ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનના મંતવ્યો પણ આવરી લેવાશે. જોકે, ટ્રેડ સેક્રેટરી લીઆમ ફોક્સને સાઈડલાઈન કરી દેવાયા છે. બ્રિટન માટે મુક્ત અવરજવરનો વિકલ્પ હવે રહેતો નથી તેવી લાલ લાઈન થેરેસાએ દોરી લીધી છે.
વડા પ્રધાન મેની સ્પીચ બ્રસેલ્સ (ઈયુ) સાથે આગામી વાટાઘાટોમાં તેમનાં વલણને સ્પષ્ટ કરશે. બ્રિટન સિંગલ માર્કેટની સુવિધા ઈચ્છે છે છતાં યુકેની સરહદો પર સંપૂર્ણ અંકુશની માગણીનો વિરોધ કરાશે તો સરકાર તેમાંથી પણ બહાર નીકળી જવાંમાં જરા પણ વિલંબ નહિ કરે તેમ વડા પ્રધાન સ્પષ્ટપણે જણાવી દેશે. અગાઉ પણ થેરેસા મેએ સંકેત આપ્યો હતો કે તેઓ બ્રિટનને સિંગલ માર્કેટમાંથી બહાર લાવવાં તૈયાર છે. તેમણે કહ્યું હતું કે આપણે માત્ર ઈમિગ્રેશન કંટ્રોલ ફરી છોડી દેવા માટે જ ઈયુમાંથી બહાર જતા નથી. જો બ્રસેલ્સ ઈયુ નાગરિકોની મુક્ત અવરજવરના મુદ્દે ઝૂકવાનો ઈનકાર કરે તો સિંગલ માર્કેટની સુવિધા માટે બાંધછોડની તૈયારી તેમણે કદી દર્શાવી નથી.
થેરેસાના વલણથી બ્રિટને સિંગલ માર્કેટનું સભ્યપદ જાળવી રાખવું જોઈએ તેવી માગણી કરનારા રીમેઈન છાવણીના સમર્થકો રોષે ભરાશે તે નિશ્ચિત છે. થેરેસા મેએ બ્રિટનના ઈયુ એમ્બેસેડર તરીકે રાજીનામું આપનારા સર ઈવાન રોજર્સના સ્થાને રશિયામાં યુકેના પૂર્વ રાજદૂત સર ટીમ બેરોને નિયુક્ત કર્યા છે.
થેરેસા મેએ હાર્ડ બ્રેક્ઝિટનો સ્પષ્ટ સંકેત આપ્યો
થેરેસા મેએ તેમની સરકાર બ્રેક્ઝિટ વિષયે અસ્પષ્ટ વિચારોથી ઘેરાયેલી હોવાનું નકારવા સાથે ઈયુ સભ્યપદના ટુકડાઓ નહિ સ્વીકારે તેમ કહીને હાર્ડ બ્રેક્ઝિટનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. તેમની ટીપ્પણીઓથી સોફ્ટ બ્રેક્ઝિટની તરફેણ કરતા ટોરી સાંસદોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. સ્કાય ન્યૂઝ પર સોફી રિજ ઓન સન્ડે કાર્યક્રમમાં વર્ષના પ્રથમ ઈન્ટર્વ્યૂમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે બ્રિટન ઈયુ સાથે મુક્ત વેપારની સમજૂતી કરવા માગે છે, જેનાથી કોઈ સભ્યપદ વિના જ બ્લોકના સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયનની સુવિધા પ્રાપ્ત થાય. તેમણે કહ્યું હતું કે,‘આપણે છોડી રહ્યા છીએ. આપણે બહાર આવી રહ્યા છીએ. આપણે હવે ઈયુના સભ્ય બની રહેવાના નથી.’
..... તો દાતા ટોરી પાર્ટીને ફંડ નહિ આપે
ટોરી પાર્ટીને ૧.૨ મિલિયન પાઉન્ડથી વધુ ફંડ આપનારા દાતા અને સ્ટીલ કંપનીના ચેરમેન સર એન્ડ્રયુ કૂકે વડા પ્રધાન થેરેસાને ચિમકી આપી છે કે જો બ્રિટનને સિંગલ માર્કેટમાંથી બહાર લઈ અવાશે તો તેઓ પાર્ટીને નાણાકીય ટેકો આપવાનું બંધ કરશે. રીમેઈન છાવણીના હિમાયતી ૬૭ વર્ષીય સર એન્ડ્રયુએ કહ્યું હતું કે ઈયુ માઈગ્રેશન પર અંકુશની કિંમત તરીકે સિંગલ માર્કેટના સભ્યપદનું બલિદાન અપાશે તો દેશ મોટી આફત તરફ ઘસડાઈ જશે. વડા પ્રધાન હાર્ડ બ્રેક્ઝિટનો સંકેત આપી રહ્યા છે ત્યારે બિઝનેસ જગતનો વર્ગ સોફ્ટ બ્રેક્ઝિટની તરફેણ કરી રહ્યો છે, જેમાં સમાધાન તરીકે કેટલીક ચુકવણી અને અંશતઃ મુક્ત અવરજવરના બદલામાં બ્રિટનને સિંગલ માર્કેટની સુવિધા પ્રાપ્ત થાય.


