લંડનઃ સરેના કેમ્પટન પાર્ક માર્કેટમાં ઇમિગ્રેશન દરોડા દરમિયાન ભારતીયો સહિત 11 ગેરકાયદેસર કામદારની ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલામાં ભારતીય ઉપરાંત ચીની અને ઇરાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા પૈકીના પાંચને દેશનિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે જ્યારે અન્ય 6ને ઇમિગ્રેશન જામીન પર મુક્ત કરાયાં છે. ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્ટર સેમ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુકેમાં સ્ટેટસ વિના રહેતા અથવા ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરતા લોકો માટે કોઇ સ્થાન નથી.
ઓક્ટોબર 2024થી સપ્ટેમ્બર 2025ના ગાળામાં યુકેમાં 11 હજાર જેટલી ઈમિગ્રેશન રેડ્સ થઈ હતી જેમાં 8,000 ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી. યુકેમાં નવી સરકાર સત્તા પર આવી છે ત્યારથી દેશમાં રહેતા લગભગ 50 હજાર જેટલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે, યુકે ગવર્મેન્ટનો ટાર્ગેટ આ તમામ લોકોને સત્વરે ડિપોર્ટ કરી દેવાનો છે.
સ્વિન્ડનમાં ગેરકાયદે નોકરી કરતા 30 ભારતીય અને આલ્બેનિયન માઇગ્રન્ટ ઝડપાયાં
હોમ ઓફિસની વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમે વિલ્ટશાયર પોલીસના સહકારમાં સ્વિન્ડનમાં 30 ગેરકાયદેસર રીતે નોકરી કરી રહેલા માઇગ્રન્ટની ધરપકડ કરી હતી. ઝડપાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાં ભારતીય અને આલ્બેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા 25ને યુકેમાંથી દેશનિકાલ કરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે જ્યારે અન્ય પાંચને ઇમિગ્રેશન બેઇલ અંતર્ગત મૂકાયા છે. સત્તાવાળા હવે તેમને નોકરી આપનારા સામે પણ તપાસ કરી રહ્યાં છે.

