લંડનઃ દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં એક નાની ક્લીનટેક ફર્મે ગુજરાતના મુન્દ્રામાં અંદાજિત 2.0 ગીગાવોટ સોલર ફેસિલિટીને ટેક્નોલોજી આપવા 4 મિલિયન પાઉન્ડનો કરાર કર્યો છે. કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે સરે સ્થિત ગેસ રિકવરી એન્ડ રિસાઇકલ લિમિટેડ પાસે ઉર્જા વપરાશ, કાર્બન ફૂટપ્રિન્ટ અને સોલાર પેનલ્સના ઉત્પાદનના ખર્ચને ઘટાડવા માટે વિકસિત, પેટન્ટ અને નિકાસ અત્યાધુનિક ટેકનોલોજી છે.
યુકે સરકારની નિકાસ ક્રેડિટ એજન્સીએ તેની બોન્ડ સપોર્ટ સ્કીમ અંતર્ગત 475,000 પાઉન્ડની ગેરંટી આપતાં યુકેની આ કંપનીને ભારતીય ઓર્ડર મેળવવામાં મદદ મળી હતી. કંપનીના સ્થાપક અને સીઇઓ રોબ ગ્રાન્ટે જણાવ્યું હતું કે, અમારી હાલની નિકાસ સફળતાઓના આધારે યુકેઇએફના સમર્થનથી અમને આ નવીનતમ વૃદ્ધિની તકને સુરક્ષિત કરવામાં અને અમારી સ્થાપિત આંતરરાષ્ટ્રીય હાજરીને વધુ વિકસિત કરવામાં મદદ મળી છે. હું 2023 ના અંત સુધીમાં અમારી મશીનરી શરૂ કરવા માટે આતુર છું.

