લંડનઃ ટેક્સપેયર્સ એલાયન્સ સંસ્થાના નવા વિશ્લેષણ અનુસાર યુકેના તમામ પરિવારોના માતા પર ટેક્સેશનનો બોજ આવે છે, જેનાથી જીવનનિર્વાહનો ખર્ચ વધી જાય છે. સરેરાશ પરિવાર તેમના જીવન દરમિયાન કરવેરા તરીકે આશરે £૭૩૫,૦૦૦ની ચૂકવણી કરે છે અને એક વર્ષની £૧૧.૪૬ બિલિયનની વિદેશી સહાયના બજેટનું ભંડોળ ૧૫,૬૧૦ ઘરના ટેક્સબિલ મારફત ઉભું કરાય છે. કરદાતાના ૪૦ વર્ષના કામકાજ અને ૧૫ વર્ષની નિવૃત્તિને આધારિત ગણતરી અનુસાર ટેક્સ બિલમાં £૨૫૩,૦૪૦નો ઈન્કમ ટેક્સ, £૧૪૬,૭૭૫નો વેટ, £૯૨,૭૯૫ના નેશનલ ઈન્સ્યુરન્સ અને £૫૯,૯૫૫ના કાઉન્સિલ ટેક્સનો સમાવેશ થાય છે. ટેક્સદર નીચે લાવવા સરકારને નકામા ખર્ચા દૂર કરવા જણાવાયું છે.
સંશોધનકારોએ ડેટાને પાંચ આવકજૂથમાં વિભાજિત કર્યા હતા.સરેરાશ પરિવારની સંયુક્ત વાર્ષિક આવક £૩૯,૨૦૦ ગણવામાં આવી હતી. સરેરાશ ટેક્સબિલ £૭૩૪,૨૪૦ની ચૂકવણી કરવા સરેરાશ બ્રિટિશ નાગરિકે ૧૮.૭ વર્ષ કામ કરવું પડે છે. પાંચમા ક્રમે £૧૨,૯૧૪ની વાર્ષિક આવક સાથે સૌથી ગરીબ પરિવારે જીવનકાળમાં £૨૮૨,૪૪૫ની ટેક્સ ચૂકવણી કરવી પડે છે, જે ગયા વર્ષની સરખામણીએ ૪.૧ ટકા વધુ છે. બીજી તરફ, પ્રથમ ક્રમે સૌથી વધુ આવક £૮૩,૭૫૦ ધરાવતા ૨૦ ટકાના જૂથે £૧.૪૮ મિલિયનની ટેક્સચૂકવણી કરવી પડે છે, જે ગયા વર્ષની સરખામણીએ ૨.૨ ટકા ઓછી છે.
ગયા વર્ષે ચાન્સેલર ઓસ્બોર્ને લોકોના ટેક્સ શેના પાછળ ખર્ચાય છે તેના આંકડા આપવાની શરુઆત કરી હતી. £૩૦,૦૦૦ની વાર્ષિક આવક ધરાવતા પરિવારે તેના ટેક્સમાંથી £૧,૬૬૩ વેલ્ફેર માટે, £૧,૨૮૦ હેલ્થ, £૮૯૨ શિક્ષણ, £૮૨૨ સરકારી પેન્શન, £૫૧ ઈયુ બજેટ અને £૭૮ ઓવરસીઝ મદદ માટે આપવા પડે છે. ચાન્સેલરે ઈન્કમ ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સને સાંકળી લેવાનું સૂચન પણ કર્યું છે, જેનાથી ટેક્સ સિસ્ટમ સરળ બની શકે છે.