સરેરાશ બ્રિટિશ નાગરિકને સુનાક જેટલી સંપત્તિ મેળવતાં 22000 વર્ષ લાગી શકે

રિશી સુનાકની સંપત્તિ સરેરાશ બ્રિટિશ નાગરિક કરતાં 2500 ગણી, સુનાક અને તેમની પત્નીની સંયુક્ત સંપત્તિ 750 મિલિયન પાઉન્ડ

Wednesday 09th November 2022 04:51 EST
 
 

લંડન

રિશી સુનાક બ્રિટિશ ઇતિહાસના સૌથી અમીર વડાપ્રધાન છે. બ્રિટનમાં મોટાભાગના લોકોના મુખે રિશી સુનાકની સંપત્તિની જ ચર્ચા છે. જુલાઇમાં પોતાની સંપત્તિની ટીકાનો જવાબ આપતા સુનાકે જણાવ્યું હતું કે, આપણે વ્યક્તિની બેન્ક એકાઉન્ટના આધારે નહીં પરંતુ ચારિત્ર્ય અને કામના આધારે તુલના કરીએ છીએ. સુનાક અને તેમની પત્નીની સંયુક્ત સંપત્તિ 750 મિલિયન પાઉન્ડ છે.અક્ષતા મૂર્તિ તેમના અબજોપતિ પિતા નારાયણ મૂર્તિની આઇટી કંપની ઇન્ફોસિસમાં નોંધપાત્ર શેરહિસ્સો ધરાવે છે.

ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર બ્રિટનમાં નાગરિકની સરેરાશ આવક 33,000 પાઉન્ડ અને એક પરિવારની સરેરાશ સંપત્તિ 3 લાખ પાઉન્ડ છે. તેનો અર્થ એ થયો કે એક સરેરાશ બ્રિટિશ  નાગરિકને રિશી સુનાક જેટલી સંપત્તિ પ્રાપ્ત કરતાં 22000 કરતાં વધુ વર્ષ લાગી શકે છે. તેમાં પણ શરત એ છે કે તે પોતાની આવકનો ખર્ચ ન કરે. જો કોઇ બ્રિટિશ નાગરિક વર્ષના 30 મિલિયન પાઉન્ડની કમાણી કરે તો પણ તેને રિશી સુનાકની સંપત્તિ સુધી પહોંચવા માટે 24 વર્ષ લાગી શકે છે અને તે પણ પોતાની આવકમાંથી કોઇપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના. આમ રિશી સુનાક સરેરાશ બ્રિટિશ નાગરિક કરતાં 2500 ગણી વધી સંપત્તિ ધરાવે છે.

રિશી સુનાક સૌથી અમીર પશ્ચિમી દેશના વડા

રિશી સુનાક અમેરિકા, કેનેડા અને યુરોપના કોઇપણ વડા કરતાં વધુ સંપત્તિ ધરાવે છે. ફક્ત યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી જ રિશી સુનાકની નજીક છે. તેમની નેટ સંપત્તિ 26.5 મિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડેનની સંપત્તિ 7.1 મિલિયન પાઉન્ડ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની સંપત્તિ 1.1 મિલિયન પાઉન્ડ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સંપત્તિ 7,00,000 પાઉન્ડ છે.

સુનાક દંપતિની સંપત્તિ રાજવી દંપતિની સંપત્તિ કરતાં બમણી

એક અખબારી અહેવાલ અનુસાર કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલાની સંયુક્ત સંપત્તિ 350 મિલિયન પાઉન્ડ છે. જ્યારે સુનાક દંપત્તિની કુલ સંપત્તિ 750 મિલિયન પાઉન્ડ થવા જાય છે. જોકે આમાં રાજવી દંપત્તિની ક્રાઉન એસ્ટેટનો સમાવેશ કરાયો નથી..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter