સરોગેટ બાળકી લિલીના બ્રિટિશ પાસપોર્ટમાં વિલંબઃ પેરન્ટના વિઝા લંબાવવા ભારતની ઓફર

Wednesday 21st September 2016 06:41 EDT
 
 

લંડન,મુંબઈઃ સરોગસી દ્વારા બાળક પ્રાપ્ત કરવા બ્રિટિશ દંપતી મિશેલ અને ક્રિસ ન્યૂમેને ગરીબ ભારતીય મહિલાને ૧૯,૦૦૦ પાઉન્ડ ચુકવ્યાં હતાં. જોકે, હવે તેઓ માત્ર ચાર મહિનાની બાળકી લિલીના પાસપોર્ટ માટે બ્રિટનમાં થઈ રહેલા વિલંબના કારણે તેને યુકે લઈ જઈ શકતાં નથી અને સાતમી ઓક્ટોબરે તેમના ભારતમાં રહેવાના મેડિકલ વિઝા સમાપ્ત થઈ રહ્યા છે. આ સંજોગોમાં ન્યૂમેન દંપતીને લિલી માટે સારા અનાથાશ્રમની શોધ ચલાવવાની ફરજ પડી છે. જોકે, ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે લિલી માટે અનાથાશ્રમ યોગ્ય વિકલ્પ ન હોવાનું જણાવી માનવતાના ધોરણે દંપતીના ભારતીય વિઝા લંબાવી આપવાની તૈયારી દર્શાવી છે.

મિશેલ ન્યુમેનની દીકરીનો જન્મ ચાર મહિના અગાઉ ૧૮ મેએ મુંબઈની તદ્દન અજાણી મહિલાની કુખે થયો છે. કુખ ભાડે લેવાં માટે સરેમાં એપ્સમના ન્યુમેન દંપતીએ આ મહિલાને ૧૯,૦૦૦ પાઉન્ડની રકમ ચુકવી છે. આ મહિલાએ તો બાળકી પર કોઈ દાવો કર્યો નથી, પરતું બ્રિટીશ સરકાર દ્વારા લિલીનો પાસપોર્ટ તૈયાર કરવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. મિશેલ અને ક્રિસ તેમની બાળકી સાથે મિત્રો અને પરિવારની હૂંફ વિના જ મુંબઈના નાના એપાર્ટમેન્ટમાં દિવસો વીતાવી રહ્યાં છે. જો સાત ઓક્ટોબરે વિઝાની સમાપ્તિ અગાઉ લિલીનો બ્રિટિશ પાસપોર્ટ તૈયાર નહિ થાય તો લિલી વિના જ તેમણે ૪૫૦૦ માઈલ દૂર ઈંગ્લેન્ડ પરત થવું પડશે.

બ્રિટનમાં કોમર્સિયલ સરોગસી પ્રતિબંધિત છે ત્યારે બ્રિટિશ સરકાર સરોગસીથી જન્મેલી લિલી માટે પાસપોર્ટ બનાવી આપશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. બ્રિટિશ રાજદૂતોએ લિલીનો પાસપોર્ટ તૈયાર ના થાય ત્યાં સુધી તેને મુંબઈ જ મૂકીને જવાની ન્યૂમેન દંપતીને સલાહ આપી છે. બીજી તરફ, ભારત સરકારે પણ ગત નવેમ્બરમાં જ કોમર્શિયલ ઈન્ટરનેશનલ સરોગસી પર પ્રતિબંધ દાખલ કર્યો છે. આ પ્રતિબંધ અમલી થયો ત્યારે સરોગેટ માતા સગર્ભા જ હતી. સરોગસી ઈન્ડિયા એજન્સીની મદદથી ભાડૂતી માતા શોધાઈ હતી. એજન્સીને આ માટે કુલ ૨૨,૫૦૦ પાઉન્ડ ચુકવાયા હતા. પિતા ક્રિસના શુક્રાણુ અને મુંબઈની અજાણી માતાના અંડના ફલિનીકરણથી સર્જાયેલા ભ્રુણમાંથી લિલીનો જન્મ થયો છે. મિશેલના અંડપિંડમાથી અંડ બનતાં વહેલાં બંધ થઈ ગયાં હોવાથી તેમણે સરોગસીનો સહારો લેવો પડ્યો છે. મુંબઈની ૨૫ વર્ષીય યુવતીને સાત વર્ષની દીકરી છે, જેમની સાથે પણ મિશેલ લાગણીનાં બંધને બંધાઈ છે.

ભારતમાં વાર્ષિક ૬૯૦ મિલિયન પાઉન્ડનો ભાડૂતી કૂખ અથવા ફર્ટિલિટી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ગરીબ ભારતીય માતાઓનાં શોષણનો અને તેમની ઈચ્છા વિરુદ્ધ પણ ભાડૂતી માતા બનવાની ફરજ પડાતી હોવાનો પ્રશ્ન પણ છે. ભારતમાં ‘રેન્ટ એ વુમ્બ’ નામે ઓળખાતાં આશરે ૧,૦૦૦ ક્લિનિક્સ કાર્યરત છે, જેના મુખ્ય ગ્રાહકો પશ્ચિમી શ્વેત દંપતીઓ જ છે. ભારતમાંથી યુકેના દંપતીઓ માટે વાર્ષિક આશરે ૧,૦૦૦ સરોગેટ બાળકોને જન્મ અપાય છે, આટલી જ સંખ્યા અમેરિકન, ઓસ્ટ્રેલિયન અને યુરોપીય દંપતીઓ માટે છે. મોટા ભાગના લોકો બાળકના જન્મના સંજોગો જાહેર કરતા નથી. ઓક્સફર્ડશાયરના દંપતી ઓક્ટેવિયા અને ડોમિનિક ઓર્ચાર્ડે ૨૦૧૨માં તેમના બાળકના જન્મને ‘બિઝનેસ ટ્રાન્ઝેક્શન’ ગણાવ્યા પછી મિશેલ અને ક્રિસ ન્યૂમેન નાણા આપ્યાની જાહેરાત કરનારા બીજા દંપતી છે.

મિશેલ કહે છે કે,‘કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધના કારણો તે સમજે છે, પરંતુ તેમની સરોગેટ પ્રતિબંધના અમલ પહેલા સગર્ભા થયાની રાહત પણ અનુભવે છે. સરોગેટ માતાઓને સગર્ભાવસ્થામાં ચેઈનથી બાંધી રખાતી હોવાની વાતો અમે સાંભળી છે, પરંતુ અમે આવું કશું કરવાના વિરોધી જ છીએ.’ તેઓ ૨૦૦૮થી બાળક માટે પ્રયાસ કરતાં હતાં, પરંતુ નિષ્ફળ જવાથી તેમણે પરીક્ષણો કરાવ્યાં હતા અને તેના અંડ બનતાં બંધ થવાની જાણકારીથી તેઓ સ્તબ્ધ થઈ ગયાં હતાં. તેમણે સ્પેનમાં IVF ફેસિલિટી ઈન્સ્ટિટ્યુટ માર્ક્વિસનો સહારો પણ લીધો હતો. આ દરમિયાન ટ્વીન બાળકોની આશા બંધાઈ ત્યારે મિસકેરેજ થયું હતું. IVFના અનેક રાઉન્ડ પાછળ તેમણે ૪૦,૦૦૦ પાઉન્ડ ખર્ચ્યાં હતાં. આ પછી, તેમણે ભારતમાં સરોગસીનો સહારો લેવાનો નિર્ણય કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter