લંડનઃ 3 સપ્તાહ પહેલાં પોલ બક્સટન નામનો વ્યક્તિ પ્રોસ્ટેટમાં ટ્યુમરની સર્જરી માટે જિબ્રાલ્ટરની હોસ્પિટલમાં દાખલ થયો હતો. આમ તો તેની સર્જરીની પ્રોસિજર રૂટિન જ હતી પરંતુ જે રીતે સર્જરી કરાઇ તે અસામાન્ય હતી કારણ કે સર્જરી 1500 માઇલ દૂર લંડનમાં બેઠેલા સર્જન દ્વારા કરાઇ હતી. આમ યુકેમાં પહેલીવાર રિમોટ રોબોટિક સર્જરી સફળતાપુર્વક કરાઇ હતી.
ક્રિસમસ ટાણે બક્સટનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન કરાયું હતું. તેને જણાવવામાં આવ્યું હતું કે સારવાર માટે તેને ઇંગ્લેન્ડ આવવું પડશે અને એનએચએસના વેઇટિંગ લિસ્ટ પ્રમાણે તેને સારવાર અપાશે. જોકે બક્સટનને એક ઓફર અપાઇ હતી કે જો તે રિમોટ રોબોટિક સર્જરી માટેની ટ્રાયલમાં સામેલ થાય તો તેને જિબ્રાલ્ટરમાં જ સારવાર અપાશે.
ત્યારબાદ લંડનમાં કોન્સોલ ખાતેથી અગ્રણી રોબોટિક યુરોલોજિકલ સર્જન પ્રોફેસર પ્રોકર દાસગુપ્તા (ઓબીઇ)એ આ સર્જરી સફળતાપુર્વક પાર પાડી હતી. વીડિયો લિન્ક દ્વારા દાસગુપ્તાએ રોબોટના મિકેનિકલ હેન્ડ્સની મદદથી 1500 માઇલ દૂરથી સર્જરી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યોજના પ્રમાણે સર્જરી પૂરી થઇ હતી. મને જાણે એમ લાગી રહ્યું હતું કે, હું ત્યાં જ સર્જરી કરી રહ્યો છું.
લંડન ક્લિનિક રોબોટિક સેન્ટર ઓફ એક્સલન્સના લીડર દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, આ સર્જરી એક સીમાસ્થંભ હતી. અમે લંડનની ક્લિનિકમાં બેઠા બેઠા જિબ્રાલ્ટરમાં એનએચએસના પેશન્ટની સર્જરી કરી હતી.


