સર્જિકલ પેશન્ટ્સ પર કોવિડ -૧૯ની અસરના અભ્યાસને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન

૧૫૦૨૫ સંશોધકો દ્વારા ૧૧૬ દેશની ૧૬૬૭ હોસ્પિટલોના ૧,૪૦,૦૦૦ પેશન્ટ્સના ડેટાની ચકાસણી

Wednesday 01st September 2021 05:52 EDT
 
 

લંડનઃ બર્મિંગહામ અને એડિનબરાની યુનિવર્સિટીઓના કોવિડ-૧૯ની સર્જિકલ પેશન્ટસ પર અસર સંબંધિત વિશ્વવ્યાપી વૈજ્ઞાનિક અભ્યાસને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. ભારતની ૫૦ હોસ્પિટલ સહિત વિશ્વભરની ૧૬૬૭ હોસ્પિટલો અભ્યાસમાં સામેલ થઈ હતી. આ મહાઅભ્યાસમાં ૧૫૦૨૫ વિજ્ઞાનીઓ દ્વારા ૧૧૬ દેશોમાં ૧,૪૦,૦૦૦ દર્દીઓના ડેટાની ચકાસણી કરવામાં આવી હતી.

યુકે સરકારની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થ રિસર્ચ (NIHR) દ્વારા ભંડોળ હેઠળના COVIDSurg Collaborative અભ્યાસના કો-લીડ લેખક અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના ભારતીય મૂળના સર્જન અનિલ ભંગુએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિક સહયોગ માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ ટાઈટલથી આપણી વૈશ્વિક ભાગીદારીનું પ્રમાણ જોવાં મળ્યું છે. ઘાતક કોરોના વાઇરસ વિશે આપણી સમજણને સુધારવાના હેતુથી કરાયેલા અભ્યાસમાં કોરોનાકાળમાં સર્જરી કેવી રીતે કરી શકાય અને સર્જિકલ પેશન્ટ પર તેની અસર કેવી રીતે ઘટાડી શકાય તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કો-લીડ લેખક અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના સર્જિકલ ટ્રેઈની મિ. જેમ્સ ગ્લાસબીએ જણાવ્યું હતું કે ૧૧૬ દેશના ૧૫,૦૦૦થી વધુ સર્જન અને એનેસ્થેટિસ્ટ્સ દ્વારા અભ્યાસમાં પ્રદાન કરાયું હતું અને સ્વિટ્ઝર્લેન્ડના  CERN ખાતે લાર્જ હેડ્રોન કોઈડર માટે કરાયેલા અભૂતપૂર્વ સંશોધનને પણ આ અભ્યાસ વટાવી ગયો હતો.

દુનિયાભરમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચીન, ભારત, યુએઈ, યુકે અને યુએસએ સહિત  દેશોની કુલ ૧,૬૬૭ હોસ્પિટલોમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ભારતમાં ૫૬ હોસ્પિટલો અભ્યાસમાં જોડાઈ હતી. આ અભ્યાસ યુરોપના અગ્રણી સર્જિકલ જર્નલ બ્રિટિશ જર્નલ ઓફ સર્જરી (BJS) માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે ઈલેક્ટિવ સર્જરીની રાહ જોઈ રહેલા પેશન્ટ્સને અસલામત જૂથ તરીકે ગણવા જોઈએ અને તેમને સામાન્ય પ્રજા કરતાં કોવિડ-૧૯ વેક્સિન્સ વહેલી અપાવી જોઈએ. ઓછી અને મધ્યમ આવક સાથેના દેશોમાં વેક્સિનેશન સુવિધા મર્યાદિત હોય તેમના માટે અભ્યાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે. સંશોધકોએ જણાવ્યું હતું કે સર્જરી કરાવવા માગતા દર્દીઓેને આગોતરી રસી આપીને એક જ વર્ષમાં કોરોના સબંધિત વધારાના ૫૮,૬૮૭ મોત નિવારી શકાય.

માર્ચ ૨૦૨૦માં લોન્ચ કરાયેલા COVIDSurg Collaborative અભ્યાસમાં કોવિડ સંક્રમણ પછી સર્જરીનો સમય, શસ્ત્રક્રિયા અગાઉ આઈસોલેશન, બ્લડ ક્લોટ્સના જોખમો સહિતના વિષયો સમાવી લેવાયાં હતાં. આ પેપર્સ  Anaesthesia જર્નલમાં પ્રસિદ્ધ થયા હતા. કોવિડ-૧૯ મહામારી પહેલા પાંચ બિલિયન લોકોને સર્જિકલ સંભાળની સુવિધા પ્રાપ્ય ન હતી અને વાર્ષિક વધુ ૧૪૩ મિલિયન ઓપરેશન કરવાની જરૂર પડતી હતી. મહામારીના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. મહામારીની પ્રથમ લહેર દરમિયાન ૭૦ ટકા ઈલેક્ટિવ સર્જરીઝ મુલતવી રખાઈ હતી જેના પરિણામે, અંદાજે ૨૮ મિલિયન પ્રોસીજર્સમાં વિલંબ થયો હતો કે રદ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter