લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ કદાચ તેમના નવા સાહસનું નામ ચૂકી ગયા હશે. સસેક્સ રોયલ ચેરિટીને બંધ કરવા માટેના કાગળો પરથી જણાયું છે કે તેમની યોજના તેનું નામ બદલીને MWX ફાઉન્ડેશન કરવાની હતી. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ ગઈ ૧લી એપ્રિલે કંપનીમાંથી સત્તાવાર રીતે છૂટા થયા તે પછી તેમની સસેક્સ રોયલ બ્રાન્ડનો ઉપયોગ બંધ કરવા સંમત થયા હતા.
મેગ્ઝીટ તરીકે ઓળખાતી શાહી પરિવારમાંથી તેમની વિદાયથી સહયોગીઓ સાથે એવી સમજૂતી સધાઈ કે તેઓ તેમની કોઈપણ નવી બ્રાન્ડમાં 'રોયલ' શબ્દનો ઉપયોગ કરી શકશે નહિ. હવે તેમની ‘સસેક્સ રોયલ ધ ફાઉન્ડેશન ઓફ ધ ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સ’ના જાહેર થયેલા પેપરવર્કમાં જણાવાયું છે કે તે તેની ઓળખ બદલશે.
કંપનીઝ હાઉસના ડોક્યુમેન્ટ્સમાં ચેરિટીનું નામ બદલીને MWX ફાઉન્ડેશન કરવામાં આવે તેમ જણાવાયું છે. તેમાં એમ પણ જણાવાયું છે કે બેંકમાં સસેક્સ રોયલ ફાઉન્ડેશનના ૯૯,૦૦૦ પાઉન્ડ પડ્યા હતા. હવે તે ચેરિટી બંધ કરવા માટે ૧૬,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કેવી રીતે કરશે ? ચેરિટીમાં અજાણ્યા સ્રોતના ૨૦,૦૦૦ પાઉન્ડ પણ જમા છે.
ફાઈનાન્સિયલ નિષ્ણાત રોબર્ટ લીચે જણાવ્યું હતું કે જ્યારે કંપની બંધ થવાની હોય ત્યારે તેનું નામ બદલવામાં આવતું હોય તેવું મેં ક્યારેય સાંભળ્યુ નથી. હેરી અને મેગને લોસ એન્જલસમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો હોવાથી ૭ જુલાઈએ અપાયેલી અરજીમાં બકિંગહામ પેલેસના સ્થાને નવું સરનામું અપાયું હતું.