લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં આયોજિત દિવાળીની ઉજવણીમાં પીટરબરોના ભારત હિન્દુ સમાજના સભ્યોને સામેલ થવાનું આમંત્રણ અપાયું હતું. નોર્થવેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ શૈલેષ વારા દ્વારા આ આયોજન કરાયું હતું. અંધકાર પર પ્રકાશના વિજયના પર્વની ઉજવણી દરમિયાન મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ શૈલેષ વારાએ જણાવ્યું હતું કે, આ મહત્વના હિંદુ તહેવાર માટે સ્થાનિક હિંદુ સમુદાયના લોકોનું સ્વાગત કરતાં આનંદ અનુભવું છું. આજે વિશ્વ સમક્ષ રહેલી સમસ્યાઓનો ઉકેલ દિવાળીના સંદેશમાં છે.
ભારત હિન્દુ સમાજના પ્રમુખ કિશોર લાડવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પીટરબરોના ભારત હિન્દુ સમાજ વતી અમારી તાજેતરની સંસદ મુલાકાત દરમિયાન અમારી કાળજી લેવા માટે શૈલેષ વારાનો આભારી છું. યુકેના અન્ય વિસ્તારોમાંથી આવેલા લોકો સાથે દિવાળીની ઉજવણીનો લહાવો પ્રાપ્ત થયો છે.
વિશાલ વિચારેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દિવાળી હિન્દુઓનો વિશેષ તહેવાર છે અને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે તેની ઉજવણી કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.
ફોટો લાઇન – ડાબેથી પ્રથમ હરોળમાં આશિષ પાઠક, બીના પાણખણિયા, નાગસાયન પુપ્પાલા. પાછળની હરોળમાં રજની રેડ્ડી, જયશ્રી મેહતા, રમણિક મશરુ, કિશોર લાડવા, અમિત મેહતા, સાંસદ શૈલેષ વારા, વિશાલ વિચારે અને ડો. સુભાષ કનડીકટ્ટ
ભારે ભીડ ઉમટતાં લેસ્ટરમાં દિવાળીની ઉજવણીનો કાર્યક્રમ ટૂંકાવાયો
લેસ્ટરમાં દિવાળીની ઉજવણી દરમિયાન મુખ્ય સમારોહ સ્થળ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ઉજવણીના કાર્યક્રમને 15 મિનિટ ટૂંકાવી દેવામાં આવ્યો હતો. લેસ્ટર પોલીસ અને સિટી કાઉન્સિલ દ્વારા આ અંગે એક સંયુક્ત નિવેદન પણ જારી કરાયું હતું. નિવેદનમાં કાઉન્સિલે જણાવ્યું હતું કે, અમને જનતા અને ઇવેન્ટ સ્ટાફ તરફથી ઢગલાબંધ મેસેજ પ્રાપ્ત થયાં હતાં કે, મુખ્ય સ્ટેજ નજીક મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ રહી છે. જેના પગલે તાત્કાલિક પોલીસ અને સિક્યુરિટી સ્ટાફની તહેનાતી કરાઇ હતી જેથી કોઇ અપ્રિય ઘટના ન બને.


