લંડનઃ લેબર પાર્ટીના ડાબેરી પીઢ નેતા જેરેમી કોર્બીન સ્પષ્ટ કહે છે કે તેમના માટે સાંસદોના ટેકા કરતા પણ પક્ષના કાર્યકરોનો ટેકો વધુ મહત્ત્વ ધરાવે છે. કોર્બીને કહ્યું હતું કે, ‘હું ૬૦ ટકા લેબર સભ્યો અને સમર્થકો દ્વારા પક્ષના લોકશાહી રીતે ચૂંટાયેલો નેતા છું. સાંસદોના મતદાનની બંધારણીય કાયદેસરતા જ નથી.’ બીજી તરફ, કોર્બીનના સાથી અને શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલે નેતૃત્વની સ્પર્ધા થવાનો સંકેત આપ્યો હતો.
કોર્બીન ૧૭૨ વિરુદ્ધ ૪૦ મતે અવિશ્વાસ મતમાં હાર્યા પછી એન્જેલા ઈગલ અથવા ટોમ વોટસન દ્વારા તેમની નેતાગીરીને પડકારાય તેવી સંભાવના છે. કોર્બીનની શેડો કેબિનેટના મોટા ભાગના સભ્યોએ પણ રાજીનામાં આપી દીધાં હતાં. જોકે, કોર્બીને કહ્યું હતું કે પાર્ટીના સભ્યો, ટ્રેડ યુનિયનવાદીઓ અને સાંસદો મારી નેતાગીરી હેઠળ એકસંપ રહે તે દેશના વર્તમાન સંજોગોમાં જરૂરી છે. બે વખત પક્ષના હંગામી નેતા રહેલાં હરમાન હેરિયટે પણ કોર્બીનને નેતાપદેથી પારેગ થવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોર્બીને બહુમતી સાથે્ પક્ષના નેતા બનવાનો અધિકાર મેળવ્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે. હવે તેમને પદ પર રહેવાનો અધિકાર નથી.
નોતાગીરીના મુદ્દે હવે શું થઈ શકે?
કોર્બીને પોતાની નેતાગીરીમાં અવિશ્વાસ વ્યક્ત કરતા સાંસદોના ભારે મતને પણ માન્ય રાખ્યો નથી. તેમના નિવેદન પછી પણ નવી શેડો કેબિનેટમાંથી પણ રાજીનામાં આવી રહ્યાં છે ત્યારે તેમને હટાવવાના સાંસદોના પ્રયાસ ચાલુ જ રહેશે તેમાં શંકા નથી. આમ છતાં, કોર્બીન રાજીનામું ન જ આપે તો ૫૧ સાંસદો લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી (NEC)ને સત્તાવાર લખાણ આપી નેતાગીરી સામે પડકાર ફેંકી શકે છે.
કોઈ પણ નવી ચૂંટણીનું સમયપત્રક NEC હસ્તક છે અને સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા ચૂંટણી કરવી તેને ફરજ પાડી શકાતી નથી. જોકે, ૫૦ સાંસદોના પત્રથી નેતૃત્વની ચૂંટણી થઈ શકે છે, પરંતુ વર્તમાન નેતા હોવાના કારણે કોર્બીનના મતપત્રમાં ઉમેદવાર તરીકે મૂકાવાના અધિકાર વિશે વિવાદ પણ થઈ શકે છે. પક્ષના નિયમો અનુસાર મતપત્ર પર નામ આવે તે માટે ઉમેદવારે ૩૭ નોમિનેશન મેળવવા પડે છે. જોકે, અવિશ્વાસના મતનું પરિણામ જોતાં કોર્બીનને આટલો ટેકો તો છે.


