લંડનઃ રાજકારણીઓ કરદાતાના પૈસે લીલાલહેર કરવામાં જરા પણ પાછીપાની કરતા નથી, મિલિયોનેર સાંસદ કે મિનિસ્ટર પણ તેમાં બાકાત નથી. કેબિનેટમાં સૌથી ધનવાનમાં સ્થાન ધરાવતા મિલિયોનેર હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે તેમના સાઉથ વેસ્ટ સરે મતક્ષેત્રમાં માત્ર ૦.૬ માઈલની બે અલગ ટ્રિપ બદલ કરદાતા પાસે બિલનો ક્લેઈમ કર્યો છે, તો ક્લાઈમેટ ચેન્જ સેક્રેટરી એમ્બર રડે તેમની ઈસ્ટ સસેક્સ બેઠકની મુલાકાત માટે ૨૭ પેન્સનો ક્લેઈમ કર્યો છે. જોકે, તેમણે કોઈ નિયમભંગ કર્યો નથી.
તેમના માટે નજીવી કહી શકાય તેવી રકમ પણ રાજકારણીઓ છોડતા નથી. નોર્થ યોર્કશાયરમાં સ્કિપ્ટન એન્ડ રિપોન બેઠકના ટોરી સાંસદ જુલિયન સ્મિથે ૩૦૦ મીટરની ટ્રિપ માટે નવ પેન્સનો ક્લેઈમ કર્યો છે. લેબર સાંસદ ડેનિયર ઝિનરે કેમ્બ્રિજ બેઠકના ૦.૩ માઈલના પ્રવાસ માટે ૪૦ પેન્સ ક્લેઈમ કર્યા હતા.આ ક્લેઈમ્સ સાંસદના સ્ટાફ દ્વારા પ્રવાસખર્ચ માટે કરાતા હોય છે, પરંતુ નોર્થ ડોરસેટના ટોરી સાંસદ સિમોન હોરેએ પોતાના માત્ર ૬૦૦ મીટરના પ્રવાસ માટે ૧૩ પેન્સ વસુલ કર્યા હતા. બીજી તરફ, SNPના સાંસદ ફિલ બોશવેલને વીડિયો માટે ૫૫૫ પાઉન્ડનો ખર્ચ પાછો આપવા ઈન્ડિપેન્ડન્ટ પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ એસોસિયેશન (Ipsa) દ્વારા આદેશ કરાયો હતો. એસએનપીમાંથી સસ્પેન્ડ કરાયેલાં સાંસદ મિશેલ થોમસનના ટોઈલ્ટ બ્રશના ૪૦ પેન્સ પણ કરદાતાએ ચુકવવા પડ્યા છે.
નાના ખર્ચા ક્લેઈમ ન કરવાની પ્રતિજ્ઞા તોડીને પણ મીડ- બેડફોર્ડશાયરના ટોરી સાંસદ નડાઈન ડોરિસે ખર્ચા ક્લેઈમ કરતાં રહ્યાં છે. તેમણે ગત છ મહિનામાં ભાડું, કન્જેશન ચાર્જ અને ઓફિસ સ્ટેશનરી સહિતના ખર્ચા માટે ૫,૦૦૦ પાઉન્ડથી વધુના ક્લેઈમ્સ કર્યાં છે. તેમણે ૨૦૧૩માં બિનસત્તાવાર કાર્યો માટેના પ્રવાસખર્ચના ક્લેઈમ કરેલા ૩,૦૦૦ પાઉન્ડ પાછાં આપવાની ફરજ પડી હતી. આ પછી, તેમણે મફતમાં કામકાજ કરવાની જાહેરાત કરી હતી, જે પાળી નથી.


