લંડનઃ બીબીસીના અહેવાલ મુજબ ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા જણાવાયું છે કે યુકે અને ઈયુ વચ્ચે થનારા બ્રેક્ઝિટના આખરી કરાર પર સાંસદો પોતાનો મત આપે તેવી સંભાવના છે. બીબીસીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી વકીલે હાઈકોર્ટમાં આ વિશે રજૂઆત કરી હતી અને ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા પણ તેને બહાલી આપવામાં આવી હોવાનું મનાય છે કે ‘જે રજૂઆત કરવામાં આવી છે તે સરકારનો અભિપ્રાય છે.’
યુકે અને ઈયુ વચ્ચે થનારી સમજૂતીમાં માઈગ્રેશન નિયંત્રણ તેમજ યુકે સીંગલ માર્કેટમાં રહેશે કે નહીં તે બાબતોને ધ્યાને લેવાવાની શક્યતા છે. યુકેમાં ગત જૂનમાં યોજાયેલા રેફરન્ડમમાં ૫૧.૯ ટકા મતદારોએ ઈયુ છોડવાની અને ૪૮.૧ ટકાએ ઈયુમાં રહેવાની તરફેણ કરી હતી.
દરમિયાન, ઈયુ પ્રત્યે શંકાશીલ સાંસદોએ ચાન્સેલર ફિલિપ હેમન્ડ બ્રેક્ઝિટ મુદ્દે થેરેસા મેને સમર્થન આપે અથવા કેબિનેટમાંથી પોતાનું રાજીનામુ આપે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. હેમન્ડ ઈમિગ્રેશનને નિયંત્રણમાં લેવા માટે કેબિનેટ દ્વારા તૈયાર કરાયેલા પગલાંમાં વિલંબ ઉભો કરીને ‘બ્રેક્ઝિટને નુક્સાન’ પહોંચાડવાનો પ્રયાસ કરતા હોવાનો કેબિનેટના સહયોગીઓએ આક્ષેપ કર્યો છે.


