લંડન
બ્રિટિશ સાંસદો તેમને મળતા પગાર અને ભથ્થાં ઉપરાંત પણ બહારથી તગડી કમાણી કરી રહ્યાં છે. છેલ્લી સંસદની ચૂંટણી પછી સાંસદોની કમાણીમાં 17.1 મિલિયન પાઉન્ડનો તોતિંગ વધારો થયો છે. બહારથી થતી કમાણીમાં ટોરી સાંસદો મેદાન મારી ગયાં છે. તેમણે 15 મિલિયન પાઉન્ડ કરતાં વધુની કમાણી કરી છે જેમાંથી 66 ટકા રકમ તો ફક્ત 20 ટોરી સાંસદોના ખિસ્સામાં જમા થઇ છે. બહારથી કમાણી કરનારા સાંસદોની યાદીમાં ટોચના સ્થાને પૂર્વ વડાપ્રધાન થેરેસા મે છે. તેમણે સંસદ બહાર કાર્યક્રમોમાં ભાષણો આપીને 2.5 મિલિયન પાઉન્ડ કરતાં વધુની કમાણી કરી છે. બોરિસ જ્હોન્સને પણ વડાપ્રધાન પદનો ત્યાગ કર્યા પછી ભાષણો આપીને લાખો પાઉન્ડની કમાણ કરી છે.
ટોરી સાંસદ સર જ્યોફરી કોક્સ આ યાદીમાં 2.1 મિલિયન પાઉન્ડ સાથે બીજા સ્થાને આવે છે. તેમણે વિવિધ કાયદા કંપનીઓમાં સેવા આપીને આ કમાણી કરી છે. લેબર પાર્ટીના ફક્ત બે સાંસદ ડેવિડ લેમી અને જેસ ફિલિપ્સ જ તગડી કમાણી કરનારા ટોચના 20 સાંસદોમાં સામેલ છે.
તગડી કમાણી કરી રહેલા ટોચના પાંચ સાંસદો
- થેરેસા મે – 25,50,876 પાઉન્ડ
- સર જ્યોફરી કોક્સ – 21,91,387 પાઉન્ડ
- બોરિસ જ્હોન્સન – 10,64,785 પાઉન્ડ
- ફ્લોના બ્રુસ – 7,11,749 પાઉન્ડ
- જ્હોન રેડવૂડ – 6,92,438 પાઉન્ડ


