સાંસદોને પાર્લામેન્ટમાં બાળકોને સાથે લઈ જવા પર પ્રતિબંધ લાગશે

Wednesday 06th July 2022 02:56 EDT
 
 

લંડનઃ દેશની સંસદમાં સાંસદોની સાથે આવતા બાળકોના કારણે ખલેલ પડતી હોવાની કેટલાક સાંસદોની ફરિયાદ બાદ હાઉસ ઓફ કોમન્સમાં બાળકોને સાથે લઇ આવવા પર પ્રતિબંધ મૂકી દેવાશે. હાઉસ ઓફ કોમન્સની પ્રોસિજર કમિટીએ ભલામણ કરી છે કે સાંસદોએ હાઉસ ઓફ કોમન્સ અથવા તો તેની સમિતિઓમાં બાળકોને સાથે લઇ આવવા જોઇએ નહીં. વાલ્થમસ્ટોવના લેબર પાર્ટીના સાંસદ સ્ટેલા ક્રિસી પોતાના 3 મહિનાના બાળકને સંસદની ચર્ચાઓમાં સાથે લઇને આવતા હતા ત્યારબાદ ગયા વર્ષે આ મામલાની સમીક્ષા કરવાનો આદેશ અપાયો હતો.

સમીક્ષા દરમિયાન ક્રિસીએ કમિટીને જણાવ્યું હતું કે, સંસદસભ્યોને માતૃત્વની યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને પોતાના પુત્રને સાથે લઇ આવવાની ફરજ પડતી હતી. ક્રિસી તેમના પુત્ર પિપને લઇને આવ્યા ત્યારે કેટલાક સાંસદોએ તેને સોના સ્વરૂપ ગણાવ્યો હતો પરંતુ અન્ય કેટલાક સાંસદોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. કન્ઝર્વેટિવ સાંસદ ડેની ક્રુગરે કમિટીને જણાવ્યું હતું કે, મારા મતે જ્યારે બેઠક ચાલી રહી હોય ત્યારે ફક્ત સાંસદો અન હાઉસના કર્મચારીઓ જ હાજર રહેવા જોઇએ. હાઉસમાં ચાઇલ્ડકેરની વ્યવસ્થા ઉપલબ્ધ છે તેથી બાળકને સાચવવાનું છે તેવું કારણ આપીને સાંસદ બેઠકમાં ગેરહાજર રહી ન શકે. કેટલાક સંજોગોમાં હું ચૂપ રહી શક્તો નથી. કદાચ સ્પીકર બાળકને સાથે લઇને પરવાનગી આપે તો પણ તે એક અધિકાર કે નિયમ બની જવો જોઇએ નહીં.

ક્રુગરની રજૂઆતનો વિરોધ કરતાં લેબર સાંસદ રાચેલ મસ્કેલે જણાવ્યું હતું કે, માનવ અધિકાર કાયદાના આર્ટિકલ 8 મુજબ બાળકને પારિવારિક જીવનનો અધિકાર હોય છે તેથી ગૃહમાં બાળક સાથે લઇ આવવાની પરવાનગી આપવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter