લંડનઃ ચૂંટણીજંગ જીતીને આવેલા યુકેના સાંસદોને ક્રિસમસની ભેટ તરીકે ૩.૧ ટકાનો બમ્પર પગારવધારો મળવાનો છે જે તેમના વેતનને લગભગ ૮૨,૦૦૦ પાઉન્ડ સુધી લઈ જશે. આ પગારવધારાની અસર આગામી એપ્રિલ મહિનાથી મળશે. રાજકારણીઓના વેતનમાં ૨૦૦૦ પાઉન્ડ જેટલો વધારો થવાને સમર્થન અપાયું છે.
એક્સપેન્સીસ સ્કેન્ડલના પગલે કોમન્સના વાર્ષિક વેતનવધારાને જાહેર ક્ષેત્રમાં ઓક્ટોબર માટેની સરેરાશ સાપ્તાહિક કમાણી સાથે સાંકળવામાં આવ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા આ સપ્તાહ માટે કરાયેલી ગણતરી ૩ય૧ ટકાની થઈ છે. વેતન માટે જવાબદાર ઈન્ડિપેન્ડન્ટ પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (Ipsa) નવા વર્ષમાં આ વધારાને સત્તાવાર મંજૂરી આપશે. ONSની ગણતરીમાં પ્રમોશન્સ અને બોનસનો પણ સમાવેશ કરાયો છે. તાજેતરના વર્ષોમાં જાહેર ક્ષેત્રના કર્મચારીઓ પર વેતન માટે એક ટકાના વધારાનું સ્તર લાદવામાં આવ્યું છે ત્યારે સાંસદો માટે આ વેતનવૃદ્ધિ તેનાથી વધી જાય છે.
સાંસદોને આ વર્ષે ૨.૭ ટકા અને ગયા વર્ષે ૧.૮ ટકા, ૨૦૧૭માં ૧.૪ ટકા તેમજ ૨૦૧૬માં ૧.૩ ટકાનો વેતનવધારો આપવામાં આવ્યો હતો. ૨૦૧૫ના જુલાઈમાં સાંસદોનું વેતન ૬૭,૦૦૦ પાઉન્ડથી વધારી ૭૪,૦૦૦ પાઉન્ડ કરવામાં આવ્યું હતુ. એપ્રિલ મહિનાથી સાંસદનું વેતન ૮૧,૯૩૧ પાઉન્ડ થવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે લેબર સાંસદ નાદીઆ વ્હિટોમે વેતન તરીકે ટેક્સ પછી ૩૫,૦૦૦ પાઉન્ડની રકમ લેવાની જ જાહેરાત કરી છે. કોમન્સમાં સૌથી યુવાન ૨૩ વર્ષીય સાંસદે કહ્યું છે કે બાકીનો પગાર તેમના નોટિંગહામ મતક્ષેત્રની ચેરિટી સંસ્થાઓને દાનમાં આપશે.


