લંડનઃ દેશભરમાં લાખો પરિવારો જીવનનિર્વાહની ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે ઈન્ડિપેન્ડન્ટ પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (IPSA)એ સાંસદોના વેતનમાં 1 એપ્રિલથી 2,212 પાઉન્ડના વેતનવધારાની જાહેરાત કરી છે. વોચડોગ IPSAએ જણાવ્યા અનુસાર સાંસદોનું વેતન 2.7 ટકાના વધારા સાથે 81,932થી વધીને વાર્ષિક 84,144 પાઉન્ડ થશે.
પાર્લામેન્ટ અને સરકારથી સ્વતંત્ર રહીને સાંસદોનું વેતન નિર્ધારણ કરતી ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ વેતનવધારો ગયા વર્ષે પબ્લિક સેક્ટરના કર્મચારીઓને અપાયેલા સરેરાશ વેતનવધારા જેટલો જ છે. મહામારીના કારણે સાંસદોના વેતનમાં ગત બે વર્ષથી કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને વિપક્ષના નેતા સર કેર સ્ટાર્મરે દેશના લાખો પરિવારો પર નિર્વાહના વધેલા ભારણનું કારણ આગળ ધરી આગામી વર્ષ માટે પણ વેતનવધારો નહિ કરવા IPSAને જાન્યુઆરી મહિનામાં જ અનુરોધ કર્યો હતો.
IPSAના ચેરમેન રિચાર્ડ લોઈએ કહ્યું હતું કે આપણી લોકશાહીમાં સાંસદોની ભૂમિકા મહત્ત્વની છે અને તેમના વેતનમાં આનું પ્રતિબિંબ અપાયું છે. સાંસદોને તેમની જવાબદારી તેમજ પોતાના મતદારોને મદદ કરવા જે નહિ દેખાતી કામગીરી બજાવે છે તેના માટે યોગ્ય વેતન મળવું વાજબી છે. સાંસદોને મહામારી દરમિયાન બેઝિક પગારમાં કોઈ વધારો અપાયો ન હતો પરંતુ, ઘરમાં રહી પોતાની ઓફિસીસ ચલાવવા તેમજ તેમના સ્ટાફને ઘરમાં રહી કામ કરવા માટે વધુ નાણા અપાયા હતા. માર્ચ 2020ના લોકડાઉનના થોડા દિવસ અગાઉ IPSAએ સાંસદોને તેમના ઓફિસખર્ચ બજેટમાં 10,000 પાઉન્ડ વધુ મળશે તેમ જણાવવા ઉપરાંત, તેમના પેમેન્ટ કાર્ડ્સની ક્રેડિટ લિમિટ 4,000 પાઉન્ડથી વધારીને 10,000 પાઉન્ડ કરી હતી.
યુકેમાં ખોરાક તેમજ લગભગ તમામ સર્વિસીસની કિંમતો વધી ગયેલી છે. આ ઉપરાંત, 1 એપ્રિલથી એનર્જી પ્રાઈસ કેપ વધવાથી એનર્જી બિલ્સમાં ભારે વધારો થનાર છે અને નેશનલ ઈન્સ્યુરન્સના ફાળામાં પણ વધારો થનાર છે.


