લંડનઃ પાર્લામેન્ટરી ઓથોરિટી ઈપ્સાએ સ્પષ્ટ કર્યું છે કે સાંસદોને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં વાર્ષિક પગારવધારો આપી શકાશે નહિ કારણકે તે વર્તમાન આર્થિક કટોકટીને સુસંગત નહિ ગણાય. સાંસદોના વેતન અને ખર્ચા પર દેખરેખ રાખતી ધ ઈન્ડિપેન્ડન્ટ પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (IPSA)એ શુક્રવાર ૧૧ ડિસેમ્બરે સ્પષ્ટ કર્યું હતું કે સાંસદોના વેતનમાં ઓછામાં ઓછાં એપ્રિલ ૨૦૨૨ સુધી કોઈ ફેરફાર નહિ થાય.
જો નિયત દરે પગારવધારો હોત તો ૮૧,૯૩૨ પાઉન્ડનું બેઝિક વેતન ધરાવતા સાંસદોના વેતનમાં ૩,૩૫૯ પાઉન્ડનો વધારો થયો હોત. સાંસદોના વેતનને ૨૦૧૫થી જાહેર ક્ષેત્રની સરેરાશ કમાણી સાથે સાંકળી લેવાયું છે, જે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર ગયા વર્ષની સરખામમીએ જૂનથી ઓગસ્ટ સુધી ૪.૧ ટકાના દરે વધી હતી. આ જ સમયગાળામાં પ્રાઈવેટ સેક્ટરનું વેતન પણ વધ્યુ ન હતું. જેના પરિણામે, ચાન્સેલર રિશિ સુનાકે ગયા મહિને ઘણા પબ્લિક સેક્ટર વર્ક્સમાં વેતન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
ગત મહિને એવા અહેવાલ હતા કે વડા પ્રધાન જ્હોન્સન કોરોના વાઈરસ મહામારીની વર્તમાન અસરોને ધ્યાનમાં રાખી સાંસદોને વેતનવધારો મળે તેની વિરુદ્ધ હતા. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ નવેમ્બરમાં જણાવ્યું હતું કે દેખીતી રીતે સાંસદોનું વેતન સ્વતંત્ર સંસ્થા દ્વારા નિશ્ચિત કરાય છે પરંતુ, વર્તમાન સંજોગોમાં સાંસદોને વેતનવધારો મળવો જોઈએ તેમ વડા પ્રધાન માનતા નથી. વડા પ્રધાને પોતાની સત્તાના ઉપયોગથી મિનિસ્ટર્સના વેતન સ્થગિત કર્યા જ છે.

