સાઉથ એશિયન લોકોને પ્લાઝમાનું દાન કરવા અનુરોધ

Wednesday 13th October 2021 08:58 EDT
 
 

લંડનઃ આપણા શરીરના લોહીમાં પ્લાઝમાનું સૌથી વધુ પ્રમાણ હોય છે અને તેમાં રહેલા એન્ટિબોડીઝ અન્ય લોકોમાં ઈન્ફેક્શન્સ-સંક્રમણ સામે લડત આપી શકે છે. આ નવા પ્રકારનું રક્તદાન છે અને તેના મોટા ભાગના ડોનેશન કેન્દ્રો વિશાળ સાઉથ એશિયન વસ્તી ધરાવતા વિસ્તારોમાં આવેલા છે જેમાં, માન્ચેસ્ટર, બાર્નસ્લે, બ્રિસ્ટોલ., ચેમ્સફોર્ડ, સ્ટોકટોન, સ્ટ્રેટફોર્ડ, ટ્વિકેનહામ, બર્મિંગહામ, ક્રોયડોન, ન્યૂહામ, બોલ્ટન અને રીડિંગ સહિતનો સમાવેશ થાય છે. યુકેમાં ૨૩ વર્ષ પછી પ્લાઝમા ડોનેશન ફરી શરૂ કરાયું છે.

એશિયન લોકોએ કોરોના વાઈરસ રિસર્ચ માટે મોટા પાયે પ્લાઝમાનું દાન કર્યું હતું અને હજુ પણ તેઓ પ્લાઝમાનું દાન કરશે તેવી આશા સેવાય છે. પ્લાઝમામાંથી તૈયાર કરાયેલી મેડિસીન્સ ઈમ્યુન ડિસઓર્ડર્સ ધરાવનારા લોકોનું જીવન બચાવી શકે છે. પ્લાઝમાનું દાન કરનારા આશરે ૪ ટકા લોકો ભારતીય, પાકિસ્તાની અથવા બાંગલાદેશી મૂળના છે.

NHSબ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT)  પાસે આશરે ૧૦,૦૦૦ પ્લાઝમા ડોનર્સ છે જે પ્લાઝમા ડોનેશનની આશરે ૩૦ ટકા એપોઈન્ટમેન્ટ્સ માટે જ પૂરતા છે. NHSBTને આગામી છ મહિનામાં પ્લાઝમા ડોનર્સ બની શકે તેવા વધુ ૩૦,૦૦૦ લોકોની જરૂર છે.

નોર્ધમ્પ્ટનની ૨૮ વર્ષીય લારૈબ જાન્જૂઆને  પોતાના જ એન્ટિબોડીઝ થકી શરીરની ચેતાઓ- નર્વ્ઝ અને સ્નાયુઓ વચ્ચે કોમ્યુનિકેશન્સને ખોરવી નાખતા ક્રોનિક ઓટોઈમ્યુન ડિસઓર્ડર માયસ્થેનીઆ ગ્રેવિસ (myasthenia gravis) થયા પછી પ્લાઝમામાંથી બનાવાયેલી મેડિસીન આપવામાં આવી હતી. લારૈબ કહે છે કે,‘ શરૂઆત બોલી નહિ શકવાથી થઈ હતી. આ પછી હું ખાઈ, પી, ચાવી, થૂંકવા કે ગળવાનું પણ કરી શકતી ન હતી. મને ભારે નબળાઈ આવી હતી. હું સીડીઓ ચડી શકતી ન હતી અથવા ભારે હાંફીને ૧૦ મિનિટ ચાલી પણ શકતી ન હતી.’ થોડા સપ્તાહ પછી રોગ એટલો ખરાબ રીતે આગળ વધી ગયો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. લારૈબને પ્લાઝમાંથી બનેલી ઈમ્યુનોગ્લોબુલિન - immunoglobulin મેડિસીન અપાઈ હતી જેનાથી તેની ઈમ્યુન સિસ્ટમ શાંત થઈ અને તેના પર હુમલો કરવાનું બંધ કર્યું.

પ્લાઝમા ડોનેશનમાં દાતા અથવા મેળવનારાની વંશીયતાનું કોઈ પરિબળ નથી પરંતુ, ડોનર્સ કેન્દ્રો પાસે રહેતી તમામ કોમ્યુનિટીના લોકોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં દાતાઓ હોય તે આવશ્યક છે.

સાલ્ફર્ડ રોયલ ખાતે કન્સલ્ટન્ટ રુમેટોલોજિસ્ટ ડો. હેક્ટર ચિનોય ખુદ પ્લાઝમા ડોનેટ કરે છે. તેઓ કહે છે કે,‘અમારે જીવન બચાવવા માટે તમામ વંશીયતાના પ્લાઝમા ડોનર્સની જરૂર છે. સાઉથ એશિયન મૂળના ઘણા લોકો નવા પ્લાઝમા ડોનર સેન્ટર્સની નજીક રહે છે. કોરોના વાઈરસ સંશોધનમાં પ્લાઝમા દાન કરી એશિયન લોકોએ અભૂતપૂર્વ પ્રતિભાવ આપ્યો હતો. હવે તેઓ ઈમ્યુનોગ્લોબુલિન મેડિસીન માટે પ્લાઝમા દાન કરે તેમ અમે ઈચ્છીએ છીએ. હું પેશન્ટ્સને પ્લાઝમા ડોનેશન્સમાંથી તૈયાર કરાયેલા શક્તિશાળી મિશ્રણની દવા ઈમ્યુનોગ્લોબુલિન પ્રીસ્ક્રાઈબ કરું છું. તેનો ઉપયોગ સંક્રમણ સામે લડવામાં પણ થાય છે. દર વર્ષે આશરે ૧૭,૦૦૦ લોકોને આ દવાઓની જરૂર રહે છે અને તે માત્ર દાતાઓ પાસેથી જ મળી શકે છે. આ મેડિસીન તમારા શરીરમાં જ રહેલી છે અને કોઈનું જીવન બચાવવામાં તે જ એક સારવાર છે.’

પ્લાઝમા ડોનેશન એક પ્રકારનું રક્તદાન જ છે. પ્લાઝમા ડોનેશનમાં તમારું લોહી ધીરે ધીરે મશીનમાં મોકલાય છે જેના દ્વારા થોડા પ્લાઝમાને અલગ તારવાય છે. તમારા રક્તકણોને લોહીમાં પરત મૂકી દેવાય છે જેથી તમારું કામકાજ સામાન્યપણે કરી શકો છે.

પ્લાઝમા ડોનેટ કરવા માટે www.blood.co.uk/plasmaની મુલાકાત લેવા વિનંતી છે.

 

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter