લંડનઃ યુકેમાં અને સાઉથ એશિયા અને ખાસ કરીને ભારતીય ઉપખંડમાં કેટલીક કોમ્યુનિટીઓમાં કોવિડના કારણે વધુપડતા મોત માટે તેઓમાં રહેલા સામાન્ય જીન અંશતઃ જવાબદાર હોવાનું નેચર જિનેટિક્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે. સાઉથ એશિયન મૂળના ૬૦ ટકા લોકોમાં રહેલા LZTFL1 નામના જીન ઈન્ફેક્શન સામે ફેફસાંના પ્રતિભાવને બદલી નાખે છે. યુરોપિયન મૂળના ૧૫ ટકા લોકોમાં આ જીન રહેલું છે. આ સૌથી સામાન્ય જીનથી સાઉથ એશિયનો કોવિડ-૧૯ વાઈરસ સામે અસુરક્ષિત જણાય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના રેડક્લિફ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન ખાતે જિનેટિસિસ્ટ અને અભ્યાસના વરિષ્ઠ લેખક પ્રોફેસર જેમ્સ ડેવિસના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણ પછી કેટલાક લોકો શા માટે ગંભીર બીમાર થાય છે તે આ જિનેટિક ફેક્ટરથી સમજી શકાય છે. આ LZTFL1 જીન સાઉથ એશિયન પશ્ચાદભૂના લોકો માટે શ્વસનતંત્રની નિષ્ફળતા અને મોતના સંદર્ભમાં બમણું જોખમી બને છે. યુકે અને અન્ય દેશોમાં હોસ્પિટલોમાં હજારો પેશન્ટ્સના જિનેટ્ક સિકવન્સીસના આધારે આ તારણ આવ્યું છે. વર્તમાન સારવારો વાઈરસ સામે ઈમ્યુન સિસ્ટમના પ્રતિભાવનો માર્ગ બદલવા સાથે કામ કરે છે.
ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસની બીજી લહેર બાબતે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર સામાન્ય વસ્તીની સરખામણીએ બાંગલાદેશી મૂળના લોકો માટે કોરોનાથી મોતનું જોખમ ચાર ગણું, પાકિસ્તાની મૂળના લોકોમાં ૨.૫થી ૩ ગણું તેમજ ભારતીય મૂળના લોકોમાં ૧.૫થી ૨ ગણું ઊંચું જણાયું હતું.

