સાઉથ લંડનના ક્લેપહામમાં માતા અને બે દીકરીઓ પર કેમિકલ હુમલો

4 લોકો અને પાંચ પોલીસ કર્મીને પણ ઇજા, શંકાસ્પદ અબ્દુલ શકૂર ઇઝેદીની શોધખોળ જારી

Tuesday 06th February 2024 11:01 EST
 
 

લંડનઃ સાઉથ લંડનના ક્લેપહામના લેસ્સર એવન્યૂ ખાતે બુધવારે સાંજે 7.25 કલાકે 31 વર્ષીય મહિલા અને તેની બે દીકરીઓ પર આલ્કલાઇન કોરોઝિવ રસાયણ દ્વારા હુમલો કરાતાં ત્રણેને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, હુમલાખોર પીડિતોનો જાણકાર હોવાની સંભાવના છે. તેણે હુમલા બાદ મહિલાની કાર છીનવી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. કાર અન્ય વાહન સાથે ટકરાઇ જતાં તે પગપાળા જ નાસી છૂટ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, આ હુમલામાં માતા અને તેની બે દીકરીઓ સહિત 12 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં માતા અને તેની દીકરીઓને હુમલાખોરથી બચાવવાનો પ્રયાસ કરનારા 4 લોકો અને પાંચ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમને હોસ્પિટલમાં સારવાર આપીને જવા દેવાયાં હતાં. માતા અને દીકરીને હાલ સારવાર અપાઇ રહી છે. તેમની ઇજાઓ જીવલેણ નથી પરંતુ જીવનભર ઇજાના ઘાના નિશાન રહી જવાની સંભાવના છે. મેટ્રોપોલિટન પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ગેબ્રિયલ કેમેરોને માતા અને દીકરીને બચાવવાનો પ્રયાસ કરનાર 3 મહિલા અને એક પુરુષનો આભાર માન્યો હતો.

પોલીસે હુમલાખોર અબ્દુલ શકૂર ઇઝેદીની તસવીર જારી કરી શોધખોળ શરૂ કરી હતી. કેમેરોને જણાવ્યું હતું કે, આ હુમલા પાછળ તેનો ઇરાદો શું હતો તે હજુ જાણવા મળ્યું નથી. કેવા પ્રકારના કેમિકલથી હુમલો કરાયો હતો તેની તપાસ ફોરેન્સિક વિભાગ કરી રહ્યો છે. હુમલામાં ઇઝેદીને પણ ઇજા પહોંચી હોવાનું પોલીસે જાહેર કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter