સાઉથપોર્ટ ઇફેક્ટઃ સમગ્ર યુકેના હિન્દુ, મુસ્લિમ સહિત વંશીય લઘુમતી સમુદાયોમાં ભયનો માહોલ

દેશમાં પ્રવર્તતી સ્થિતિના સંદર્ભમાં માઈગ્રન્ટ્સ, અશ્વેતો અને એશિયન કોમ્યુનિટીઓ વિરુદ્ધ ભય અને વિભાજકતાને ફેલાવનારા સામે સાવધ રહેવા અપીલ

Tuesday 06th August 2024 11:05 EDT
 
 

લંડનઃ સાઉથપોર્ટની ઘટના બાદ ફાર રાઇટ્સના રમખાણોના કારણે સમગ્ર યુકેના હિન્દુ, મુસ્લિમ સહિતના વંશીય લઘુમતી સમુદાયોમાં અસુરક્ષા અને ભયની લાગણી પ્રવર્તી રહી છે. સાઉથપોર્ટમાં હિંસા આચરનારા સગીરની ખોટી ઓળખ ફેલાયાના કારણે કટ્ટરવાદી શ્વેતો  દ્વારા આક્રમકતાથી મસ્જિદો અને માઇગ્રન્ટ્સ પર હુમલા કરવામાં આવી રહ્યાં છે.

હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK)એ સાઉથપોર્ટમાં અરેરાટીભરી હત્યાઓ સંદર્ભે અવિચારી હિંસા અને તાજેતરના રમખાણોને વખોડી કાઢી હિન્દુ કોમ્યુનિટીની સલામતી બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દ્વેષપૂર્ણ, મલિન ઈરાદા ધરાવતા લોકોએ આ કરૂણ ઘટનાઓનો ગેરલાભ લઈ માઈગ્રન્ટ્સ, અશ્વેતો અને એશિયન કોમ્યુનિટીઓ વિરુદ્ધ ભય અને વિભાજકતાને ફેલાવવામાં ઉપયોગ કર્યો છે.  
એનજીઓ મુસ્લિમ એન્ગેજમેન્ટ એન્ડ  ડેવલપમેન્ટના સીઇઓ અઝહર કય્યુમે જણાવ્યું હતું કે, મુસ્લિમો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. દેશભરમાં મુસ્લિમોની દુકાનો અને મકાનોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. લાંબાસમયથી મુસ્લિમો અને ઇસ્લામને શેતાન તરીકે ચીતરવામાં આવે છે તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના સેક્રેટરી જનરલ ઝારા મોહમ્મદે જણાવ્યું હતું કે, સરકારે મુસ્લિમોની સુરક્ષા માટે વધુ પગલાં લેવાં જોઇએ. ફાર રાઇટ ટોળાંઓની હિંસા જોઇને હું પણ ભયભીત છું.

HCUKએ સાવચેતી રાખવા હિન્દુ સમાજ અને મંદિરોને અનુરોધ કર્યો      

લંડનઃ હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK)એ આ અશાંતિના સંદર્ભે સાવધ રહેવા તેમજ સ્વરક્ષા અને પૂજાસ્થળોના રક્ષણાર્થે આવશ્યક સાવચેતી લેવા હિન્દુ કોમ્યુનિટીને અનુરોધ કર્યો છે. શાંતિ અને આધ્યાત્મિક આશ્રયના પ્રતીકરૂપ મંદિરોને પણ નફરત ફેલાવવા ઈચ્છનારાઓ દ્વારા નિશાન બનાવાઈ શકે છે. હિન્દુ મૂલ્યો ધારણ કરી રાખવા સાથે આપણી કોમ્યુનિટીની રક્ષા માટે એકસંપ રહી સક્રિયતા દર્શાવવા પણ નિવેદનમાં જણાવાયું છે. હિન્દુત્વમાં વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ સમગ્ર વિશ્વ એક પરિવાર હોવાનું શીખવે છે. આપણે બધા અરસપરસ સંકળાયેલા છીએ અને સમાજના એક હિસ્સા પર થયેલું કોઈ પણ નુકસાન આપણા બધા માટે પણ નુકસાન છે. હત્યાઓના પગલે જે રેસિઝમ અને નફરત ફેલાવાઈ છે તે હિન્દુ મૂલ્યોથી વિપરીત છે. તેઓ આપસી આદર અને સહઅસ્તિત્વના સિદ્ધાંતો પર નિર્માયેલા આપણા વૈવિધ્યપૂર્ણ અને બહુવાદી સમાજના પોતને નષ્ટ કરી નાખવાની ધમકી આપે છે. આપણે પડકારરૂપ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે ધર્મના રક્ષણાર્થે અને અવરોધોની સામે મક્કમ ઉભા રહેવાના કર્તવ્યને યાદ રાખવું જોઈએ.નિવેદનમાં HCUKએ જણાવ્યું છે કે અંગત સુરક્ષા, કોમ્યુનિટીના રક્ષણ અને પૂજાસ્થાનોને સુરક્ષિત રાખવા સાવચેતીના પગલાં લેવા આવશ્યક છે.

કેવા પ્રકારના પગલાં લેવાં
• માહિતગાર રહેવા અને ઉશ્કેરણી ટાળવા, સમૂહોમાં પ્રવાસ કરવા, ઘરની સલામતી પર પૂરતું ધ્યાન આપવા સહિત અંગત સુરક્ષાની સાવચેતીઓ • મંદિરની સુરક્ષા મજબૂત બનાવવા, સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેવા, કોમ્યુનિટી વોલન્ટીઅર્સ દ્વારા પેટ્રોલિંગ કરાવવું • કોમ્યુનિટી દ્વારા સાવચેતી, માહિતીની આપલે, અરસપરસ સપોર્ટ, સેફ્ટી કમિટીઓ બનાવવી, ધાર્મિક અને સાંસ્કૃતિક સહિત કોમ્યુનિટી ઈવેન્ટ્સમાં હાજરી આપતા રહેવું • ઈમર્જન્સીની યોજનાઓ હાથવગી રાખવા, ફર્સ્ટ એઈડની તાલીમ, કોન્ટેક્ટ નંબર્સ સહિત ઈમર્જન્સી સંપર્કો હાથવગા રાખવા • આપણા અધિકારોની જાણકારી રાખવી, ભેદભાવ, ધમકીઓ અથવા હિંસાની ઘટનાઓ સંદર્ભે કાનૂની સલાહ મેળવવા સહિતનીકાનૂની જાગરૂકતા રાખવી તેમજ • અન્ય ધર્મો અને કોમ્યુનિટી ગ્રૂપ્સ સાથી સંવાદ અને સંબંધોના નિર્માણની હિમાયત, હિંસાની જાહેર નિંદાનો સમાવેશ થાય છે.
જો તમારે અથવા મંદિરોને વિશેષ સપોર્ટની આવશ્યકતા હોય તો હિન્દુ કાઉન્સિલ યુકેનો સંપર્ક સાધવા પણ અનુરોધ કરાયો હતો.

જમાતના સભ્યોને સાવચેતી રાખવા ઇસ્માઇલી નેશનલ કાઉન્સિલની અપીલ

લંડનઃ ઇસ્માઇલી ઇન્સ્ટિટ્યુટ્સ ફોર ધ યુકેની નેશનલ કાઉન્સિલ દ્વારા હાલમાં સમગ્ર દેશમાં વ્યાપેલા તણાવ સામે કેટલીક જાહેર સૂચના જારી કરાઇ છે. કાઉન્સિલે જણાવ્યું હતું કે અમે યુકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. મોટા શહેરો અને નગરોમાં આ સ્થિતિ જારી રહે તેવી સંભાવના જોતાં આપણી જમાતની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે જમાતને નીચે પ્રમાણેની સાવધાની રાખવાની અપીલ કરીએ છીએ. જો તમને ઇમર્જન્સીમાં જરૂર પડે તો સ્થાનિક મુખી કમાડિયાનો અથવા તો સુરક્ષા માટેની જમાતી લીડનો સંપર્ક કરો. તેની વિગતો ઇસ્માઇલી એપ પર આપેલી છે.

  • વિશ્વનિય સમાચાર સ્ત્રોત પર જ આધાર રાખો
  • પ્રદર્શનકારીઓ, વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચેના ટકરાવ અને કાયદા એજન્સીઓ મુદ્દે સ્પષ્ટ રહો
  • સહાયની જરૂર હોય તેવા જમાતના સભ્યોની માહિતી રાખો, વિશેષ કરીને તોફાનોગ્રસ્ત વિસ્તારોમાં
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ન કરવો

લેસ્ટરના ધાર્મિક અગ્રણીઓએ હિંસાને વખોડી શાંતિની અપીલ કરી

લેસ્ટરના મુસ્લિમ, યહૂદી, ખ્રિસ્તી, શીખ, હિન્દુ અને અન્ય ધર્મોના અગ્રણીઓએ મસ્જિદો, માઇગ્રન્ટ્સને રહેવાના સ્થળો, પોલીસ, બિઝનેસો, વાહનો અને પ્રાઇવેટ પ્રોપર્ટીઓ પરના હુમલાને વખોડી કાઢ્યાં છે. તેમણે જણાવ્યુ હતું કે, વગર વિચારે આચરાતી હિંસાએ દેશના કેટલાક વિસ્તારોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. ચોક્કસ સમુદાયોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. આ રેસિઝમ, ઇસ્લામોફોબિયા અને ઝેનોફોબિયાનું વરવું સ્વરૂપ છે. તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવું જોઇએ. આપણા ધાર્મિક ગ્રંથો આપણને સહિષ્ણુતા અને પ્રેમનો ઉપદેશ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter