લંડનઃ સાઉથપોર્ટમાં 29 જુલાઇના રોજ એક ડાન્સ ક્લાસ પર હુમલો કરી 3 બાળકીના મોત નિપજાવનાર એક્સેલ રુડાકુબાનાએ હત્યા અને આતંકવાદના આરોપો સુનાવણીના પ્રથમ દિવસે જ કબૂલી લીધાં હતાં. 18 વર્ષીય રુડાકુબાનાએ છરી વડે હુમલો કરી 6 વર્ષીય બેબે કિંગ, 7 વર્ષીય એલ્સી ડોટ અને 9 વર્ષીય એલિસ દ સિલ્વાની હત્યા કરી હતી.
રુડાકુબાના પર યોગ ક્લાસના ઇન્સ્ટ્રક્ટર જ્હોન હેય્સ અને અન્ય 8 બાળકોની હત્યાના પ્રયાસનો પણ આરોપ મૂકાયો છે. તેના પર અલ કાયદાની મિલિટરી સ્ટડી કરવા અને બાયોલોજિકલ ઝેર બનાવવા માટે આતંકવાદનો આરોપ પણ મૂકાયો છે. લીવરપુલ ક્રાઉન કોર્ટમાં સુનાવણીના પ્રથમ દિવસે જ તેણે અપરાધની કબૂલાત કરી લીધી હતી. સાઉથપોર્ટના આ હત્યાકાંડ બાદ સમગ્ર બ્રિટનમાં ફાર રાઇટ્સ રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
સાઉથપોર્ટમાં હત્યાકાંડ અટકાવવામાં સત્તાવાળા કેવી રીતે નિષ્ફળ ગયાં તેના કારણો શોધવા સરકારે પબ્લિક ઇન્કવાયરીનો આદેશ આપ્યો છે. હુમલાખોરની ગુનાહિત પ્રવૃત્તિઓની જાણ હોવા છતાં સત્તાવાળાઓએ જોખમ સામે કેવી રીતે આંખ આડા કાન કર્યાં તેના પર ઉઠી રહેલા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરાશે.


