સાઉથપોર્ટની ડાન્સ સ્કૂલમાં છૂરાબાજી, બે બાળકનાં મોત, 6 ગંભીર ઇજાગ્રસ્ત

પોલીસે 17 વર્ષીય શંકાસ્પદ સગીરની ધરપકડ કરીઃ કિંગ, વડાપ્રધાને પીડિત પરિવારોને દિલસોજી પાઠવી, યોગ શિક્ષક લુકાસની બહાદૂરીની ચોતરફ ચર્ચા

Tuesday 30th July 2024 12:07 EDT
 
 

લંડનઃ નોર્થવેસ્ટ ઇંગ્લેન્ડના લીવરપુલ નજીકના સાઉથપોર્ટમાં એક ડાન્સ ઇવેન્ટમાં બનેલી છરાબાજીની ઘટનામાં બે બાળકોનાં મોત થયાં હતાં અને અન્ય 9 બાળકોને ઇજા પહોંચી હતી. 6 બાળકો અને બે પુખ્ત વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમાં યોગ શિક્ષક લિએન લુકાસનો સમાવેશ થાય છે. તેમણે બાળકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપસર શંકાના આધારે 17 વર્ષીય સગીરની ધરપકડ કરી હતી.

મર્સીસાઇડ પોલીસે જણાવ્યું હતું કે, સોમવારે બપોરે સાઉથપોર્ટમાં એક ઇવેન્ટ દરમિયાન છરાબાજીની ઘટના હોવાની માહિતી મળી હતી જેમાં સંખ્યાબંધ બાળકોને ઇજા પહોંચી હતી. હજુ આ ઘટના પાછળનો ઇરાદો શું હતો તે સ્પષ્ટ થયું નથી. આ ઘટનાને આતંકવાદ સાથે કોઇ સંબંધ હોય તેમ લાગી રહ્યું નથી.

પોલીસે એક વ્યક્તિની છરા સાથે ધરપકડ કરી હતી. આમ તો આ વિસ્તારમાં જનતાને કોઇ ભય નથી પરંતુ લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.

ચીફ કોન્સ્ટેબલ કેનેડીએ જણાવ્યું હતું કે, પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે સંખ્યાબંધ બાળકો ઘવાયેલી હાલતમાં હતાં. કેટલાંકને તો ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બાળકો ડાન્સ સ્કૂલમાં ટેલર સ્વિફ્ટ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યાં હતાં. હુમલાખોરે સ્કૂલમાં ઘૂસીને બાળકો પર છરા વડે હુમલો કરી દીધો હતો.

કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ આ ઘટના પ્રત્યે અત્યંત દુઃખ વ્યક્ત કરતાં પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ઘટનાને અત્યંત ભયાનક અને આઘાતજનક ગણાવી હતી. હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે પણ ઘટના માટે અત્યંત આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter