લંડનઃ પોલીસ અને ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા બ્રિટનના સૌથી મોટા ગુરુદ્વારા પૈકીના એકની મનાતી પ્રોપર્ટી પર 16 ડિસેમ્બરની વહેલી પરોઢે પાડવામાં આવેલા દરોડામાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. સાઉથોલમાં શ્રી ગુરૂસિંહ સભાની 11 બિકોન્સફિલ્ડ રોડ પર આવેલી 8 પૈકીની એક પ્રોપર્ટી પર આ કાર્યવાહી કરાઇ હતી. આ પ્રોપર્ટીઓનો ઉપયોગ ગુરુદ્વારામાં કામ કરતા કર્મચારીઓ અને ભારતથી આવતા શીખ ધર્મગુરૂઓના ઉતારા માટે કરાય છે.
ગુરુદ્વારાની એક્ઝિક્યુટિવ કમિટીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલી વ્યક્તિને આ પ્રોપર્ટીમાં રહેવાની મંજૂરી કમિટી દ્વારા અપાઇ નથી. સમાજના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને મની લોન્ડરિંગના સંદર્ભમાં ભારતીય મૂળના શીખ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. તેના પિતા ગુરુદ્વારામાં કર્મચારી છે.
પોલીસને શંકા હતી કે પ્રોપર્ટીમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પણ રહે છે તેથી ઇમિગ્રેશન સત્તાવાળાઓ પણ આ દરોડામાં સામેલ થયાં હતાં. ભૂતકાળમાં પણ આ ગુરુદ્વારામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ઝડપાયા હતા.

