લંડનઃ સાઉથોલમાં એક દુકાનની બહાર અન્ય ભારતીય નાગરિક ગુરભેજ સિંહની કરપીણ હત્યા કરવાના મામલે ભારતીય નાગરિક 20 વર્ષીય નવજોત સિંહ વિરુદ્ધ લંડનની કોર્ટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેને ગયા ગુરુવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેની સામે ગુરભેજ સિંહની હત્યા કરવા, જસવિંદર સિંહ નામના અન્ય એક વ્યક્તિ પર ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદા સાથે ગેરકાયદેસર હુમલો કરવાનો અને જાહેર સ્થળે યોગ્ય કારણ વગર છરી રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોર્ટે આરોપીને કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને હવે આ મામલે આગામી સુનાવણી 22 જૂનના રોજ ઓલ્ડ બેલી કોર્ટમાં હાથ ધરાશે. હાલમાં આરોપી દ્વારા કોઈ ગુનાની કબૂલાત કરવામાં આવી નથી.

