લંડનઃ યેમેનમાં ઉપયોગ કરાઈ શકે તેવા યુકેના શસ્ત્રોની સાઉદી અરેબિયાને વેચાણ કરવા સામે યુકેની કોર્ટ ઓફ અપીલે મનાઈ મફરમાવી છે. કેમ્પેઈન અગેઈન્સ્ટ ધ આર્મ ટ્રેડ સંસ્થા દ્વારા આ કેસ હાઈ કોર્ટ સમક્ષ લવાયો હતો. યુકે તેના શસ્ત્રોની નિકાસ યેમેનમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનો ભંગ કરવામાં નહિ વપરાય તેનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયું હોવાથી આવી શસ્ત્રનિકાસ ગેરકાયદે હોવાનું હાઈ કોર્ટના ચુકાદામાં જણાવાયું હતું.
સીમાચિહ્ન ચુકાદામાં એમ પણ જણાવાયું હતું કે યુએન અને માનવાધિકાર સંસ્થાઓ દ્વારા અપાયેલા વિશ્વસનીય પુરાવાઓ નજરઅંદાજ કરવા યુકે માટે ગેરકાયદે છે. ધ યુનાઈટેડ નેશન્સ એસોસિયેશન-યુકે (UNA-UK)ના અધ્યક્ષ લોર્ડ વૂડ ઓફ એન્ફિલ્ડે જણાવ્યું હતું કે ‘ અરેબિયાને યુકે દ્વારા શસ્ત્રોની ગેરકાયદે નિકાસથી પ્રત્યક્ષ સહન કરવું પડ્યું છે તે યેમેનના લોકો માટે આ પ્રથમ વિજય છે. આવા પરિણામ માટે વર્ષોથી કાર્યરત વિવિધ જૂથો અને સંસ્થાઓનો પણ વિજય છે. આ ચુકાદો આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત સિસ્ટમના સમર્થક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીના હિમાયતી હોવાના યુકેના દાવાની હાંસી ઉડાવે છે.’
આ ચુકાદો નિયમો આધારિત વૈશ્વિક સિસ્ટમ, ખાસ કરીને શસ્ત્રોના વેપાર પર નિયંત્રણ રાખતી શસ્ત્ર વ્યાપાર સંધિના હિમાયતી હોવાની ભૂમિકા ભજવવા યુકેની ક્ષમતા પર શંકા ઉઠાવે છે. યુકેની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સાઉદી અરેબિયાને શસ્ત્રોની નિકાસ બંધ કરી યેમેન યુદ્ધ પરત્વે પોતાની ભૂમિકા નવેસરથી વિચારવી પડશે.

