લંડન: સાઉધમ્પ્ટન યુનિવર્સિટીના શ્વેત વિદ્યાર્થીની 21 ઇંચ લાંબા છરા વડે નિર્મમ હત્યા કરવાના મામલે એક બ્રિટિશ ભારતીય શીખ યુવક હાલ યુકેની અદાલતમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. એકાઉન્ટન્સી અને ફાઇનાન્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય હેનરી નોવાક તેના ફૂટબોલ રમતા મિત્રો સાથે રાત્રે બહાર ગયા બાદ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
સાઉધમ્પ્ટનના રહેવાસી અને બ્રિટિશ નાગરિક 23 વર્ષીય વિક્રમ દિગવા પર નોવાકની હત્યા અને જાહેર સ્થળે ધારદાર હથિયાર રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ તેની માતા કિરણ કૌર પર ગુનાના સ્થળેથી હથિયાર હટાવીને આરોપીને મદદ કરવાનો આરોપ છે. જોકે, બંને આરોપીઓએ કોર્ટમાં આ ગુનાના આરોપોનો ઇનકાર કર્યો છે.

