સાઉધમ્પ્ટન વેમાં મૂળ કેરળના અરવિંદની ચાકૂ મારીને હત્યા

કેરળના જ વતની એવા રૂમમેટ સલમાન સલીમની ધરપકડ કરાઇ

Tuesday 20th June 2023 12:24 EDT
 
 

લંડનઃ સાઉધમ્પ્ટન વે ખાતે ગયા શુક્રવારે મૂળ કેરળના વતની એવા 38 વર્ષીય અરવિંદ શશિકુમારની ચાકૂ મારીને હત્યા કરાઇ હતી. પોલીસે આ મામલામાં કેરળના જ વતની એવા સલમાન સલીમની ધરપકડ કરી હતી.

મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર અરવિંદ શશિકુમાર અને સલમાન સલીમ અન્ય 3 મલયાલી સાથે એક જ ઘરમાં રહેતા હતા જેથી રહેવાના ખર્ચને વહેંચી શકાય. અરવિંદ અને સલમાન મિત્રો હતા પરંતુ તેમની વચ્ચે એવી કઇ બાબત બની કે અરવિંદની હત્યા થઇ તે હજુ જાણવા મળ્યું નથી. સલમાન સલીમ કેરળના વરકલા અને અરવિંદ કોચીનો વતની હતો.

શુક્રવારે વહેલી પરોઢે 1.27 કલાકે પોલીસને જાણ કરાઇ હતી કે સાઉધમ્પ્ટન વેમાં એક ઘરની બહાર એક વ્યક્તિ ઘાયલ અવસ્થામાં પડ્યો છે. લંડન એમ્બ્યુલન્સ સર્વિસના પ્રયાસો છતાં અરવિંદનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ચાકૂના ઘાના કારણે અરવિંદનું મોત થયું હતું.

સલમાન સલીમને શનિવારે ક્રોયડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેને 20 જૂન સુધી કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી અપાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અમે દોષીને સજા અપાવવામાં કોઇ કસર બાકી રાખીશું નહીં.

અરવિંદના પિતા નિવૃત્તિ એલઆઇસી કર્મચારી છે અને તેઓ પત્ની સાથે કોચીમાં રહે છે. અરવિંદ શરૂઆતમાં યુકેમાં અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ તેણે દુકાન શરૂ કરી હતી. અરવિંદને લોંગ રેસિડેન્સ પરમિટ મળવાની હતી ત્યારે જ આ ઘટના બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter